________________
પ૨૯
સમાન છે.
આપણાં લૌકિક જીવનથી પણ સમજાય છે કે મનુષ્યને વ્યવહારમાં ઓછો પ્રમાદ હોય છે પરંતુ પરમાર્થ માટે જ તે પ્રમાદી બને છે. જમણવારનું નિમંત્રણ સ્વીકારવામાં ક્યાં કોઈ પ્રમાદ છે? અરે! પગાર સ્વીકારવામાં કે નફાની ગણતરીમાં, પ્રતિષ્ઠા અને ખ્યાતિના પ્રમાણપત્રો સ્વીકારવામાં કોઈ પ્રમાદ કરતું નથી. નવા ચલચિત્રની લાઈન માટે, ટી.વી. કાર્યક્રમ માટે, ઉનાળાની ઉજાણી માટે સમય ખર્ચ કરવામાં અને રાતોની રાતો પત્તા રમવામાં, નશાની મહેફિલમાં, નાઈટ ક્લબોમાં કે રાસગરબે ઘૂમવામાં કદી કયાંય પ્રમાદ જોવા મળતો નથી કે તેવા કાર્યક્રમોમાં કોઈને સમયની ખેંચ જણાતી નથી. સંગીત, કવાલી, મુશાયરો કે ડાયરામાં બેઠેલી જનતા વારંવાર, “દુબારા, ONCE MORE , માશાલ્લાહ”ના પોકાર કરીને તાળીઓના ગડગડાટથી મંચ ગજવીને જાહેર કરે છે, “અમને ઘેર જવાની ઉતાવળ નથી, સમયનો અભાવ તો છે જ નહીં, તમે ખુશીથી કાર્યક્રમ આગળ ધપાવો. અમે તમને સન્માનવા, સત્કારવા અહીં જ બેઠા છીએ.” સંગીત સાંભળવામાં , જોક્સની મહેફિલમાં, સાત્ત્વિક મનોરંજનમાં લેશમાત્ર પ્રમાદ નથી. જ્યારે વ્યવહારમાં આવી પાવરધી પ્રજાને સજનોને, યુવાનોને પૂછો તો ખરા કે તેમની પાસે આત્મચિંતન માટે, ધ્યાન માટે, યોગાસન માટે કે આધ્યાત્મિક પ્રવચનોના શ્રવણ માટે સમય છે ખરો? તો આટલું સાંભળતા પૂર્વે જ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળશે કે “પ્રવચનો કે સત્સંગ પ્રાત:કાળે હોય છે, તેથી અમે આવી શકતા નથી. સવારે ઊંઘ જ અમને ઘેરી લે છે. જો તમે સાંજના સત્સંગની વાત કરશો તો કહેશે, “અમે તો વેપારી પ્રજા. સાંજના આઠ-નવ પહેલાં ઘરે જ ન પહોંચીએ તો સત્સંગ કેવો?” “અમે તો ડૉક્ટરો છીએ. સાંજે જ દર્દીઓનો ધસારો હોય એવા લાચાર પીડાતા દર્દીઓને છોડી જઈએ ક્યાં?” “અમે તો નોકરિયાત વર્ગ, ઓફીસો સાંજે મોડી છૂટે પછી બસ કે ટ્રેનના ધક્કે ચઢીએ, અડધા બેહોશ બનીએ, ત્યાં કેવો ધર્મ, કેવું પ્રવચન કે સત્સંગ ! ભાઈ, અમે તો રોટલો અને ઓટલો જ શોધતા હોઈએ.” જો તમે વિદ્યાર્થી કે યુવાનોને