________________
૫૪૦
નથી જીવ, નથી જગત કે નથી જગતના વિષયો કે પ્રાણીઓ કે જગતને જન્માવનાર જગતનિયંતા, જગન્નાથ કે ઈશ્વર. નથી તેને પોતાનાથી ભિન્ન પોતાનું શરીર કે પિંડ અને નથી પોતાનાથી ભિન્ન હયાતી બ્રહ્માંડની. આમ બ્રહ્મભાવે, બ્રહ્મમાં જ બ્રહ્મીભૂત થઈને વિહાર કરનારો જીવન્મુક્ત છે. તેવા જીવન્મુક્તની બે શ્લોકમાં અત્રે સ્તુતિ છે અને ભેદભ્રાંતિમાં ભટકનારાની નિંદા કરવામાં આવી છે.
જે દેહપતન પૂર્વે અર્થાત્ જીવતાં જ મૃત્યુથી છૂટી ગયો છે અર્થાત્ ‘અમર આત્મા હું છું’, તેવા જ્ઞાનથી જીવતાં જ મુક્ત થયો છે, તેને પ્રારબ્ધ પૂર્ણ થતાં સાક્ષીભાવે દેહપતન જણાય છે ત્યારે તે બ્રહ્મીભૂત થયેલો હોય છે. અર્થાત્ જીવતાં જ જે જીવ અને બ્રહ્મનું એકત્વ કે કેવલત્વ જાણી ચૂક્યો હોય છે તે દેહપાત પશ્ચાત્ કૈવલ્ય પદને કે પરમપદને પામી બ્રહ્મસ્વરૂપ થાય છે. તેવી બ્રાહ્મીસ્થિતિ કે કૈવલ્ય પદમાંથી ચુત થઈ પુનઃ કદી પણ તેને જન્મ-મૃત્યુના નશ્વર સંસારમાં પ્રવેશ પામવા જેવું હોતું નથી. તે પોતાને અને આસપાસ જે કંઈ જુએ છે, જાણે છે, અનુભવે છે તે સૌને બ્રહ્મસ્વરૂપ જ સ્વીકારે છે. તેને મન તો સર્વ કાંઈ બ્રહ્મના જ વિવર્ત છે. આમ, તેની દ્વૈતથી વિલક્ષણ દૃષ્ટિમાં કે અભેદ જ્ઞાનમાં બ્રહ્મથી ભિન્ન કંઈ જ છે નહીં. એટલું જ નહીં પરંતુ જો તેને પોતાનું શરીર પણ બ્રહ્મનું જ વિવર્ત દેખાય, તો શરીર કે દેહ જડ હોવા છતાં બ્રહ્મથી ભિન્ન સત્તા કે અસ્તિત્વ ન ધરાવતું હોવાથી તે બ્રહ્મ જ છે. કારણ કે બ્રહ્મ તો સર્વત્ર છે. શ્રુતિએ કહ્યું છે, સર્વ સ્વિયં બ્રહ્મ ।' જો બ્રહ્મ સર્વમાં હોય તો સામાન્ય ચેતન તરીકે અભેદદર્શી જીવન્મુક્તને શરીરમાં અને જડ પદાર્થોમાં પણ આત્મદર્શન થાય છે. કારણ કે વાસ્તવમાં તો બ્રહ્મ કે આત્માની સત્તાથી જ બોલાય છે કે, ‘આ શરીર છે.’ શરીર જાતે ‘હું શરીર છું', તેમ કહેતું નથી કે પોતાને પ્રકાશિત કરતું નથી. પરંતુ જે કંઈ પ્રકાશે છે, ભાસમાન થાય છે, જણાય છે, તે સર્વ બ્રહ્મ કે આત્માને લીધે જ પ્રકાશે છે અર્થાત્ અનુભવાય છે. આમ, જે કંઈ દશ્ય કે જ્ઞેય છે, પ્રત્યક્ષ કે પરોક્ષ છે, વર્ણનીય કે વાચાતીત છે તે સર્વ કાંઈ બ્રહ્મ છે. બ્રહ્મથી ઇતર, અન્ય કંઈ જ અસ્તિત્વમાં નથી. આ વિચારતાં, જીવન્મુક્ત