________________
૩૭૩
જ્યારે માયાના સત્ત્વ, રજસ અને તમસ એવા ત્રણ ગુણમાંથી તમોગુણની વૃદ્ધિ થાય અર્થાત તમોગુણવાળી વૃત્તિઓનો ઉદય થયો હોય, તેવી અવસ્થાને આનંદમયકોશ કહેવાય છે. પૂર્વે ચર્ચા ગયા છીએ તે પ્રમાણે તમસ કે તમોગુણનો અર્થ આળસ, પ્રમાદ કે અજ્ઞાન પણ કરવામાં આવે છે. તેથી અત્રે સ્પષ્ટ કરવું જરૂરી છે કે તમોગુણ, પ્રમાદ, આળસ કે અજ્ઞાનની વૃદ્ધિ થાય ત્યારે તેવા અજ્ઞાનથી જીવાત્માના પ્રશ્નો, શંકાઓ, સુખદુઃખ, હતાશા, નિષ્ફળતા, અપેક્ષાઓ, વાસનાઓ, ભોગ અને મન-બુદ્ધિ તથા ઈન્દ્રિયોની ક્રિયાઓ આચ્છાદિત થઈ જાય છે અગર ઢંકાઈ જાય છે. તેથી પતનમાં નાંખનારો સંસાર હોવા છતાં જણાતો નથી અને તે સૌના અભાવમાં જે અલ્પજીવી સુખ અનુભવાય છે તેવા અભાવયુક્ત ક્ષણિક સુખવાળી અવસ્થાને આનંદમયકોશ કહ્યો છે.
આવો આનંદમયકોશ પ્રિય, મોદ અને પ્રમોદ જેવા ત્રણ ગુણવાળો છે. જીવાત્માને જ્યારે પોતાની પ્રિય, વહાલી કે મોહવાળી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જુએ, સાંભળે કે વિચારે ત્યારે તે સમયે જે સુખ અનુભવાય છે તે પ્રિય પ્રકારનું છે. દા.ત. મનગમતી સાડી કે સૂટનું દર્શન થતાં, અગર તેની ટી.વી. કે રેડિયો પર જાહેરાત સાંભળતાં, તે પ્રાપ્ત કરવાનો વિચાર માત્ર આનંદ જન્માવે તો તેને પ્રિય કહી શકાય. એ જ પ્રમાણે પ્રિય વસ્તુ પોતાના પુણ્યકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય ત્યારે પુણ્યશાળી માણસોને સહજ રીતે જે આનંદ ઉદ્ભવે, તે “મોદ’ કહેવાય છે. અર્થાત્ ઉપર જણાવેલ સાડી કે સૂટની પ્રાપ્તિ પછી જન્મેલું સુખ “મોદ' પ્રકારનું છે. ઉપરોક્ત સાડી કે સૂટ પ્રાપ્ત કર્યા પછી જ્યારે તેને પરિધાન કરીએ અને લોકો આપણાં વસ્ત્રોના વખાણ કરે ત્યારે અનુભવાતો “પ્રમોદ નામનો આનંદ કે સુખ કહેવાય છે, જે પ્રિય અને મોદથી ઉત્કૃષ્ટ છે. તેવું ઉત્કૃષ્ટ સુખ, સુષુપ્તિ સમયે પણ અનુભવાય છે. કોઈ પણ પ્રયત્ન વગર પ્રાણીમાત્ર પોતાના સુષુપ્તિકાળના અનુભવમાં જે સુખ અનુભવે છે તે આનંદમયકોશના ઉદયકાળને લીધે છે. માટે આનંદમયકોશનો ઉદય કે સુષુપ્તિ, અકારણ સુખની અવસ્થા છે. આમ, આનંદમયકોશનો ઉદય થતાં સુષુપ્તિમાં પ્રાણીમાત્ર, વિશેષ પ્રયોજન, કર્મ, ભોગ કે સંયોગવિના જે