________________
૩૩૩
પછી વાછરડી આગળ અને તમે પાછળ ખેંચાઓ છો કેમ? ખરેખર તો માલિકે આગળ ચાલવું જોઈએ અને બંધાયેલા પશુએ આપોઆપ માલિકની પાછળ ચાલ્યા આવવું જોઈએ. પરંતુ વાછરડી તો વારંવાર માથું ફેરવી તમારા ઘરથી વિરુદ્ધ દિશામાં જવા દોડે છે અને તમે વારંવાર તેને પાછી વાળો છો. ઉપરાંત તમે વાછરડીની પાછળ ખેંચાઓ છો. તેથી મને તો એવું લાગે છે કે તમે વાછરડીને બાંધી નથી પરંતુ નવી ખરીદેલી વાછરડીમાં રાગ કે આસક્તિ ઊભી કરી, માની બેઠા છો કે વાછરડી તમારી છે અને તમે માલિક છો. વાસ્તવમાં વાછરડી માટે તમે ઊભી કરેલી મમતાથી ખરેખર તમે જ બંધાયેલા છો. ફેર એટલો જ છે કે વાછરડીના ગળામાં બાંધેલી દોરી આંખે દેખાય છે પણ તમારા ગળામાં બંધાયેલી મમતારૂપી દોરી આંખે દેખાતી નથી, પણ અદશ્ય છે. માટે જ વાછરડી જયારે દોડે છે ત્યારે એની પાછળ અદશ્ય દોરીથી બંધાયેલા તમે ખેંચાઓ છો, ઢસડાઓ છો અને દોડાદોડ કરો છો. માટે યાદ રાખો કે, “જે અન્યને બાંધે છે, તે સ્વયં બંધનમાં પડે છે.” “જે બીજાને પકડે છે, તે સ્વયં રાગ કે આસક્તિમાં પકડાય છે અને બંધનયુક્ત બને છે. પશાભાઈ તો શનાભાઈનો અનુભવયુક્ત ઉપદેશ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એટલું જ નહીં પરંતુ મિત્રભાવે તેમને નમસ્કાર કરી કહેવા લાગ્યા, “આજથી નથી તમે મારા પડોશી, સ્નેહી કે મિત્ર, પરંતુ મારા સાચા રાહબર, માર્ગદર્શક અને જો મને શિષ્ય તરીકે સ્વીકારો તો સદ્દગુરુ પણ છો.”
ઉપરોક્ત ચર્ચા અને દૃષ્ટાંતથી દીવા જેવું સ્પષ્ટ છે કે મન જ ઇન્દ્રિયોના વિષયમાં, દેહમાં કે ભૌતિક પદાર્થોમાં રાગ, આસક્તિ કે મોહબ્રાંતિ ઉપજાવીને મનુષ્યને બંધનમાં નાંખે છે. પરંતુ રાગ કે મોહ અને તેનાથી ઊભું થતું બંધન, આંખે દેશ્ય નથી છતાં બાંધે છે ખરું. આમ, મન જ વિષયોને બાંધતા પોતે સપડાઈ જાય છે અને વિષયાસક્તિની કારાવાસમાં બંધન અનુભવે છે. તે જ મન જો શિષ્યત્વનો સ્વીકાર કરી, સદ્ગુરુની શરણાગતિ સ્વીકારે અને સત્સંગ દ્વારા વિવેક કે વૈરાગ્યનું અનુસરણ કરે, તો જાતે ઊભા કરેલા બંધનમાંથી પોતાને છોડાવી મુક્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકે તેમ છે.