________________
૩૩૬
તું ચાલી શકે છે, તારા પગ ક્રિયા કરી શકે છે. તેથી ભૂલવા પ્રયત્ન કર કે તારું શરીર લાકડાં જેવું થઈ ગયું છે. આમ, વારંવાર સૂચનની મદદથી તથા મનોચિકિત્સા દ્વારા તેનું શરીર લાકડાનું છે તેવી ભ્રાંતિ દૂર કરવા પ્રયત્નો કરવામાં આવ્યા. છતાં એક દિવસ પોતાના ઘર પાસે પ્રગટેલી હોળીનું દર્શન કરવા જયારે સૌ કોઈ સહકુટુંબ તે સ્થળે પહોંચ્યા, ત્યારે પુનઃ પેલા બાળકે બૂમાબૂમ શરૂ કરી અને પ્રગટેલી હોળીથી નાસવા પ્રયત્ન કર્યો. તેથી પુનઃ માતાપિતાએ સમજાવ્યું કે “તું હજુ આટલી સારવાર પછી પણ સમજતો કેમ નથી કે તારા પગ કે તારું શરીર લાકડાનું નથી, તું જડ નથી કે અગ્નિની
જ્વાળાઓ તને બાળી નાંખશે. તું તો જીવંત શરીર છે. જેમ અમે ઊભા છીએ . તેમ ઊભો રહે.” બાળકે તરત જ ઉત્તર આપ્યો કે “હું તો જાણું છું કે હું જડ લાકડું નથી પરંતુ અગ્નિ ક્યાં જાણે છે કે હું ચેતનવંતુ શરીર છું? આમ વિચારતાં, સ્પષ્ટ થાય છે કે મનની ભ્રાંતિથી ભય ઉત્પન્ન થાય છે અને ભ્રાંતિ નષ્ટ થતાં ભયમુક્તિ મળે છે. તેવી જ રીતે જો કોઈ મનથી એવી ભ્રાંતિમાં રહે કે “શરીર છું', તો જ મૃત્યુનો ભય સતાવે. પરંતુ સદ્ગુરુરૂપી કોઈમનોવૈજ્ઞાનિક જો સમજાવી દે કે, “તું શરીર નથી પરંતુ અજર, અમર આત્મા છે. તને ન તો પાણી ડુબાડી શકે, પવન સૂકવી શકે, શસ્ત્રો મારી શકે કે અગ્નિ બાળી શકે તેમ છે.” તો નિશ્ચિત તે અગ્નિદહનની અંતિમ ક્રિયાના ભય કે મૃત્યુની ભયાનકતાથી મુક્ત થઈ શકે તેમ છે અને મન દ્વારા કલ્પાયેલા મૃત્યુ જેવા ભ્રમથી છૂટી શકે તેમ છે. એટલું જ નહીં, પરંતુ સ્મશાનમાં શરીર બળવા છતાં પોતે અજર અમર રહી શકે તેમ છે. આમ, મન જ ભ્રાંતિ ઊભી કરી, મનુષ્ય કે મુમુક્ષુને ભયમાં નાંખી, ભયભીત કરે છે અને બંધનની ભ્રાંતિ પેદા કરે છે. તે જ મન વિવેકી થઈ, આત્મસ્વરૂપને જાણી, નિર્ભય કે અભય થઈ, મોતની ભયાનકતામાંથી છુટી, સ્મશાનના કે અગ્નિસંસ્કારના બંધનથી મુક્ત થઈ, મુમુક્ષને મોક્ષ અપાવી શકે તેમ છે. માટે જ મનનું સામર્થ્ય જણાવતાં જે કંઈ કહેવાયું કે મને એ જ બંધન-મુક્તિનું કારણ છે, તે વાસ્તવિકતા શાસ્ત્રસંદર્ભમાં અને લૌકિક અનુભવમાં પણ સાચી ઠરે છે.