________________
૨OO
જાણીએ છીએ તેમ સ્પર્શ સુખમાં આસક્ત અને રાગી બનેલા હાથીઓ પાસે જીવનભર લાકડાં ઊંચકવાનું કે સરકસમાં ખેલ કરવાનું કામ કરાવવામાં આવે છે. આમ, નિરંકુશ મહાકાય હાથી જંગલમાં મુક્તવિહાર કરનારો હોવા છતાં સ્પર્શેન્દ્રિયના સુખમાં ઘેલો કે ગાંડો થવાથી જ જીવનભરની કેદને જાતે જ નિમંત્રણ આપે છે. તો મનુષ્ય પળે પળે જે સુખદ સ્પર્શ માટે ફાંફા મારતો હોય, રેશમી વસ્ત્રો, ગાલીચા, ડનલોપનાં ગાંદલાં કે સુંવાળા શયનખંડ માટે અનુરાગી થતો હોય અને ત્વચાસ્પર્શનો ઘેલો બન્યો હોય તેને તો લગ્નની લોખંડી બેડી પહેરતાં કે કાંટાળી સામાજીક જવાબદારીઓને વહન કરતાં અગર રૂપયૌવનાના ભોગ માટે પરાક્રમો કરતો, લડતો, મરતો કે કજીયા-કંકાસ કરતો કોણ અટકાવી શકશે?
હરણ “શબ્દ' માટે, હાથી “સ્પર્શ માટે ખુવાર થાય છે તેમ માછલી રસનેન્દ્રિયના કે જીભના સ્વાદમાં તરફડિયાં મારે છે. માછલાને સ્વાદનું એક અજબનું આકર્ષણ હોય છે. નદી, તળાવ કે સાગરમાં ખાદ્ય પદાર્થ નાંખતાં જ માછલાં પાણીની સપાટી ઉપર આવે છે. એટલું જ નહીં, પરંતુ ખાદ્યપદાર્થને પકડવા એકબીજા ઉપર પડતુ મૂકી કૂદાકૂદ કરે છે. માછીમાર કે મત્સ્યશિકારના શોખીનો માછલીની સ્વાદ-આસક્તિને સારી રીતે જાણી તેની કમજોરીનો મોટો લાભ ઉઠાવે છે. તેઓ માછલા પકડવાના વિવિધ યંત્રો, અનેક પ્રકારની જાળ અને વાંકો વળેલો સોય જેવો અણીદાર આંકડો (HOOK) વાપરે છે. આવા અણીદાર આંકડા ઉપર લોટની ગોળી કે જમીનમાંથી ચોમાસામાં નીકળતાં અળસિયાંને પરોવવામાં આવે છે. તેવા આંકડાને દોરી દ્વારા નદી કે તળાવમાં ફેંકતાં જ સોય જેવા ધારદાર આંકડાની અણી ઉપર મૂકેલા ખાદ્ય પદાર્થને માછલી ગળી જાય છે અને તે ખાદ્ય પદાર્થ પેટમાં ઉતારે ન ઉતારે ત્યાં તો તળાવની પાળ કે નદીકિનારે બેઠેલો માછીમાર દોરી ખેંચે છે અને આંકડો, માછલીનું તાળવું વીંધી આરપાર થઈ જાય છે અને ક્ષણવાર માટે માછલી પાણીની બહાર તરફડિયાં મારતી જોવા મળે છે. ભોગ્યપદાર્થનું ભક્ષણ કરવા તત્પર થયેલી માછલી જાતે