Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાઠ મળે તો શોધજો. આજે તેવો જ પાઠ મળ્યો છે.
પરસ્પર ઉપકાર કરવો, એ તો ધર્મ છે. ઉપકાર ન કરવો તે ગુનો છે. એ ગુનાની જ સજારૂપે જ આપણને દુઃખમય સંસાર મળ્યો છે.
પ્રકાશનો થોડો જ સહારો મળતાં અંધારામાં ખીણમાં પડતા બચી જઈએ છીએ. પ્રકાશનો આ થોડો ઉપકાર છે ?
બે ધાતુવાદીઓ ભયંકર અંધકારપૂર્ણ ગુફામાં મશાલ લઈને ગયા હોય ને વચ્ચે મશાલ બુઝાઈ ગઈ હોય તો શું થાય ? આજુબાજુ ક્યાંય પ્રકાશ નથી. ચાલવું કેમ ? જવું કેમ ? તે જ સમસ્યા થઈ પડે. અંદર કેટલાય ઝેરી પ્રાણી ફરતા હોય તેનો ડર હોય ! આવી જ હાલત આપણી હતી. શ્રુતજ્ઞાનનો દીવો ન મળ્યો હોત તો આપણી હાલત આવી જ હોત ! શ્રુતજ્ઞાનની કિંમત કેટલી? તે તમે જ વિચારો.
પણ નિશાચરને અંધારામાં જ ફરવું ગમે. પ્રકાશ આવતાં જ તે આકુળ-વ્યાકુળ થઈ ઊઠે ! આપણે અજ્ઞાનના અંધકારથી ટેવાઈ ગયા નથીને ?
મારી જ વાત કરું : ક્ષણવાર પ્રભુના વાક્યો ભૂલાઈ જાય તો હું આકુળ-વ્યાકુળ થઈ જાઉં. આનંદઘનજીની ભાષામાં કહું તો :
મનડું કિમહી ન બાજે હો કુંથુજિન !” હે કુંથુનાથજી ! મારું મન ઠેકાણે નથી રહેતું. અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ-તિમિર હર્યું
જુગતે.”
એવું કહેનારા રામવિજયજીએ અનુભવથી જ કહ્યું છે. નિષ્કામ ભક્તિના પ્રભાવે જ નિજ ઘટમાં અજવાળું રેલાય છે.
- ભગવાન શ્રુતજ્ઞાનથી પ્રકાશ કરે છે, એમ ન કહેતાં અહીં તો કહે છે : ભગવાન પોતે જ જગતના દીપક છે. लोगपईवाणं ।
ભગવાન કદી આપણને ભૂલતા નથી, આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. તેને યાદ કરવું છે. ભગવાન
૮૦
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪