Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાવથી શ્રી ગૌતમસ્વામી અનંત લબ્ધિધર બન્યા હતા. શ્રી ગૌતમસ્વામી સૌના હૃદયમાં વસેલા છે. એમનું નામ મંગલરૂપ ગણાય છે. એમનું નામ લેવા માત્રથી વિઘ્નો દૂર થાય, કાર્ય સફળ થાય છે.
ગૌતમસ્વામી પાસે સૌથી મોટી લબ્ધિ સમર્પણની હતી. અનંત લબ્ધિનું મૂળ ભગવાન પ્રત્યેનો સમર્પણભાવ હતો.
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિજી : આજે નૂતન વર્ષે નવસ્મરણ, ગૌતમસ્વામીનો રાસ વગેરે સાંભળ્યું.
સર્વ વિઘ્નોનો નાશ કરનાર નવસ્મરણ પાસે હોવા છતાં આપણે બીજે દોડીએ છીએ. કેટલાક સ્મરણો તો સંઘને નિર્વિઘ્ને આરાધના કરાવવા જ રચાયેલા છે.
ઉવસગ્ગહરંમાં ભગવાન પાસે ગણધરોની માંગણી છે : હે ભગવન્ ! મને બોધિ આપો.
સાચે જ ભગવાનના પ્રભાવ વિના ગણધરોને પણ બોધિ મળતી નથી.
કોઠીમાં રહેલું બીજ પોતાની મેળે ન ઊગે, તેમ ભગવાન વિના આપણી ભગવત્તા કદી ન જ પ્રગટે.
અનેક જન્મોમાં એકત્રિત કરેલા પુણ્યથી જ આવો ધર્મ આવા ભગવાન મળ્યા છે ! કેવી ભૂમિકા પર આપણે આવી ગયા ? અમને સંયમ મળ્યું. તમને એની અભિલાષા મળી. આ ઓછી વાત છે ?
ભવિષ્યના સાધુ આદિ આ સંઘમાંથી જ ઉત્પન્ન થવાના ને? માટે જ સંઘ ગુણરત્નોની ખાણ છે, ભગવાનને પણ નમનીય છે.
આજના દિવસને મંગલમય બનાવવો હોય તો તમે કોઈને કોઈ નિયમ અવશ્ય લેજો .
તમે પ્રતિજ્ઞા લેશો એ જ ગુરુ-દક્ષિણા હશે.
કહે,
કલાપૂર્ણસૂરિ-૪
૨૧૯