Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જયારે ભગવાનની મૂર્તિ જુએ ત્યારે ગાંડા-ઘેલા થઈ જાય. મૂર્તિમાં સાક્ષાત્ ભગવાન જુએ અને બાળકની જેમ વાતો કરવા લાગી જાય. સ્તવનો બોલતાં એટલા તો ભાવ-વિભોર બની જાય કે ભાન જ ભૂલી જાય. ભક્તિમાં કલાકોના કલાકો વીતી જાય. ભૂખ, તરસ, થાક - બધું જ ભૂલી જાય. ગમે તેટલો વિહારનો થાક લાગેલો હોય. વૈશાખ મહિનામાં ગમે તેટલી તરસ લાગેલી હોય, ગોચરીનો સમય થઈ ગયો હોય, પણ ભગવાનની મૂર્તિ મળી એટલે ખલાસ... ! બધું જ જાણે મળી ગયું. આવી અપૂર્વ મસ્તીથી કરાતી ભક્તિથી એમની સુસ્તી ઊડી જતી અને પ્રભુ પાસેથી એમને નવું જ બળ મળી રહેતું. સાધનાનું બળ તેઓ આ રીતે પ્રભુ પાસેથી મેળવી લેતા. જેમણે ભગવાનની અનંતતા સાથે અનુસંધાન કર્યું એ ક્યાંય નિરાશ થાય કે નિષ્ફળ જાય એ વાતમાં કોઈ માલ નથી. સદા આશાપૂર્ણ વિચારો, શ્રદ્ધા અને પ્રેમભર્યું હૃદય, ઊછળતો ઉત્સાહ, પ્રસન્ન મુખમુદ્રા, પ્રશાન્ત વાણી - આ બધું જ પ્રભુ ભક્તિની કલ્પ વેલડીમાંથી મળેલાં ફળો છે. આ ફળો જેમણે આસ્વાદ્યા તે સ્વયં તો શક્તિ અને પ્રસન્નતાનો ફુવારો બને જ, પણ સંસર્ગમાં આવનારા અન્યને પણ પ્રસન્નતાથી નવડાવી દે.
બીજો તેમને રસ હતો જિનાગમ ભણવાનો. જેને પ્રભુ ગમ્યા તેમને પ્રભુની વાણી પણ ગમે જ. જિનાગમ એ પ્રભુની વાણીનો સંગ્રહ છે. ભક્તિથી હૃદય વિકસિત થાય છે અને આગમ અધ્યયનથી મગજ વિકસિત થાય છે. વિકસેલું હૃદય શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમથી જીવનને રસ તરબોળ બનાવી દે છે અને વિકસેલું મગજ તર્કશક્તિ અને વિચાર-શક્તિથી જીવનને અપૂર્વ તેજ આપે છે.
પ્રભુ-ભક્તિ અને શ્રુત-ભક્તિ દ્વારા પૂજયશ્રીમાં બન્ને ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો.
જ્ઞાન-પિપાસા પૂજ્યશ્રીમાં એટલી બધી તીવ્ર બની કે જ્યાં ક્યાંય પણ જ્ઞાન મેળવવા જેવું લાગે ત્યાં પહોંચી જાય. પૂજ્યશ્રીએ અત્યાર સુધીમાં ઘણાની પાસે ઘણું મેળવ્યું છે.
કહે,
*
*
*
*
*
*
*
*
*
*
* * ૩૬૫