Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આતમ હંસ ! ક્યાં સુધી તારે આ સંસારના પાંજરામાં પૂરાઈ રહેવું છે ? સંસારનું પાંજરૂં એ તારું નિવાસસ્થાન નથી, તારા નિવાસનું સ્થાન તો મુક્તિરૂપી માન સરોવર છે. પૂરાઈ રહેવું એ તારો સ્વભાવ નથી, પણ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું તારો સ્વભાવ છે. જિંદગી શું બંધનોમાં જ પુરી કરી નાંખવી છે ? જીવનના લક્ષ્યને સિદ્ધ કર્યા વિના એમને એમ શું વિદાય લઈ લેવી છે ? જેવી રીતે અનંત જિંદગીઓ નિરર્થક થઈ તે રીતે આ જિંદગી પણ નિરર્થક જવા દેવી છે ? ઓ ચેતન હંસ ! સમજ, સમજ, હિંમત કર અને આ બેડીઓને તોડી નાખ. યાદ રાખ કે ઘરમાં બેઠા બેઠા આત્માનું દર્શન થતું નથી. એના માટે તો દીક્ષા જ લેવી પડે. તીર્થંકરો પણ જ્યાં સુધી દીક્ષા સ્વીકારતા નથી ત્યાં સુધી મનઃપર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન થતા નથી. માટે ઓ જીવ! જલદી કર. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. અવિરતિમાં રહીને લોખંડના ગોળા જેવો તું ક્ષણે-ક્ષણે બીજા જીવોને તાપ અને ત્રાસ આપી રહ્યો છે, તારા નિમિત્તે કેટલાય જીવો ત્રાસ અનુભવી રહ્યા છે. એ ત્રાસને દૂર કરવાનો એક જ માર્ગ છે ઃ પરમાત્માએ પ્રરૂપેલી પ્રવ્રજ્યાનો સ્વીકાર.
:
દીક્ષામાટે દૃઢ પ્રતિજ્ઞા :
આમ અક્ષયરાજે દીક્ષા-સ્વીકારનો દૃઢ સંકલ્પ કરી લીધો અને આ નિર્ણય પોતાના ધર્મપત્ની આગળ પણ કહી દીધો : હવે તો મારે દીક્ષા જ લેવી છે. કા.સુ. ૧૫ પછી જે કોઈ પણ પ્રથમ શુભ મુહૂર્ત આવશે તે દિવસે હું દીક્ષા લઈશ અને જો રજા નહિ આપો તો ચારેય આહારનો ત્યાગ. આ મારી પ્રતિજ્ઞા
છે.
રતનબેનની મૂંઝવણ ઃ
દીક્ષાની આ વાત પ્રથમ વાર જ સાંભળતા રતનબેન પર તો જાણે વીજળી તૂટી પડી. એ તો ત્યારે મૂંઝવણમાં મૂકાઈ ગયા. પતિદેવની સાથે બોલવું, ઝગડો કરવો કે આજ્ઞા ન માનવી તે એમના સ્વભાવમાં જ ન્હોતું. પતિદેવની આ વાત પોતાને તદ્દન અણગમતી હતી... પણ હવે કરવું શું ? એ
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૩૮૪ **