Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આજે વૈ.સુ. ૧૦નો દિવસ હતો. પાંચેય મુમુક્ષુઓ રાજવંશી પોશાકમાં સજ્જ થઈ વરસીદાન ઊછાળતા ઊછાળતા દીક્ષા-મંડપ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. અક્ષયરાજના આનંદની તો આજે કોઈ અવધિ જ ન રહી. ઘણા વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર બનતું જોઈને કયો માણસ આનંદ ન અનુભવે ? બાળપણની ભાવના આજે સાચી બની રહી હતી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે કરેલી આગાહી આજે તદ્દન સત્ય બની રહેલી દેખાઈ રહી હતી. (વિ.સં.૧૯૯૬માં ફલોદી ચાતુર્માસ બિરાજમાન આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.એ અક્ષયરાજનો હાથ જોઈને કહ્યું હતું કે – તું દીક્ષા લઈશ જ. ત્યારે અક્ષયરાજ પરિણીત હતા અને દીક્ષાની ભાવના મનના ઊંડાણમાં ગુચડું વાળીને ક્યાંય સૂઈ ગઈ હતી.)
અક્ષયરાજ માટે વિશેષ આનંદની વાત એ હતી કે પોતાના કારણે સમગ્ર કુટુંબ અને સસરા પણ સંયમના માર્ગે સંચરી રહ્યા હતા.
દીક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો આગળ વધતો વધતો જૈન ન્યાતી નોહરાના વિશાળ પટાંગણમાં પહોંચ્યો, જ્યાં દીક્ષા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો.
મંડપમાં દીક્ષાની મંગળ વિધિ શરૂ થઈ. રજોહરણ-પ્રદાન થયું. તે વખતનું દૃશ્ય ખરેખર રોમાંચક હતું.
હાથમાં રજોહરણ લઈને આનંદથી નાચતા બે બાળકોને જોઈને કોનું હૃદય ગદ્ગદ્ નહિ થયું હોય ?
સ્નાન-મુંડનવિધિ પછી મુનિ-વેશમાં સજ્જ થયેલા મુમુક્ષુઓએ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે તો ખરેખર કોઈ અદ્ભુત સૃષ્ટિનું અવતરણ થયું હોય તેવું લાગતું હતું. દીક્ષા મંડપમાં ઉપસ્થિત થયેલા સૌ લોકોની આંખો નાના બાળ મુનિઓ પર મંડાઈ હતી. સ્ત્રીઓ તો જોઈ જોઈને જાણે ધરાતી જ ન્હોતી. તે વખતે જે સૌના હૃદયમાં આનંદનો સાગર ઉછળી રહ્યો હતો - તે આનંદ વ્યક્ત કરવા શબ્દો વામણા પડે છે. નિરવધિ આનંદને શબ્દોના બીબામાં શી રીતે સમાવી શકાય ?
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૯૧