Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મૂકી નથી. મોટાભાઈ પાબુદાનભાઈ સ્વભાવથી સરળ, શાન્ત, ધર્મનિષ્ઠ અને ઉદાત્ત મનવાળા હતા. વચલા અમરચંદભાઈ વ્યવહારકુશળ હતા. વ્યવહારની દરેક આંટી ઘૂંટીનો પોતાની આગવી સૂઝથી ક્ષણવારમાં ઉકેલ લાવતા હતા. નાનાભાઈ લાલચંદ રમત-ગમતના શોખીન અને જરા મનમોજી પણ ખરા.
ત્રણેયની જુદી-જુદી શક્તિઓ એકબીજાની પુરક બનતી હતી અને લક્ષ્મીચંદભાઈનો સંસાર સુખપૂર્વક સરકી રહ્યો હતો.
લક્ષ્મીચંદભાઈ માત્ર નામથી જ લક્ષ્મીચંદ નહોતા, લક્ષ્મીદેવીની કૃપા પણ તેમના પર ઠીક-ઠીક હતી. તેઓ સ્વભાવે ઉદાર, કડક, બુદ્ધિશાળી અને કર્મઠ હોવાથી બધાથી જુદા તરી આવતા હતા.
તેમનાં ધર્મપત્ની શેરબાઈ પણ એવાં જ, નામ તેવા જ ગુણવાળા. શેર-સિંહ જેવું તેમનું શૌર્ય. સ્ત્રી - સહજ ભય એમની નસમાં જ નહિ. આખા ગામમાં એમની હાક વાગે. મોટા-મોટા માણસો પણ એમની સલાહ લેવા આવે.
એ જેટલાં નિર્ભય હતાં તેટલાં જ પરગજુ પણ હતાં. આડોશી-પાડોશીમાં કોઈ પણ માંદું હોય તો દવા કરવા દોડી જાય. ઘરગત્યુ ઉપચાર અને ઔષધોની જાણકારી પણ જોરદાર.
લક્ષ્મીચંદભાઈના પ્રથમ પુત્ર પાબુદાન અને તેમનાં ધર્મપત્ની ખમાબાઈ.
ખમાબાઈ પણ પાબુદાન જેવાં જ પ્રકૃતિથી ભદ્રિક, સરળ, શાન્ત અને ધર્મની રુચિવાળા હતાં. ફલતઃ તેમના આખા કુટુંબમાં ધર્મના સંસ્કારો છવાઈ ગયા હતા. પાબુદાનભાઈને સંતાનશ્રેણિમાં ૩ પુત્રો તો અલ્પાયુષી નીવડ્યા. થોડો સમય જીવી મૃત્યુ પામ્યા. પુત્રીઓમાં ચંપાબાઈ તથા છોટીબાઈ જીવિત રહ્યાં.
અક્ષયરાજનો જન્મ ઃ
ત્રણ પુત્રોના મૃત્યુ પછી ખમાબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૮૦, વૈ.સુ.૨, સાંજે ૫.૩૦ વાગે એક તેજસ્વી પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ પાડવામાં આવ્યું અક્ષયરાજ. ખરેખર
૩૬૮
* * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪