Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દષ્ટિકોણથી કહેતા હોય છે. અનેકવિધ વાતોમાં પણ મૂળભૂત વાત એક જ હશે. તમે બરાબર જોજો.
આપણે બધા ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે મંડી પડ્યા. પણ માત્ર એટલાથી શું થશે ? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે. હું ભક્તિ પર એટલે જ જોર આપું છું. ભક્તિ જ એવું વજ છે, જેથી મોહનો પર્વત ચૂર-ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમના ઉપાસકોને મોહ કાંઈ ન કરી શકે.
મોહ તમને શીખવે છે : જીવો પર દ્વેષ કરો. ભગવાન તમને શીખવે છે : જીવો પર પ્રેમ કરો. આપણે કોની વાત માનીએ છીએ ?
મારી પાસે તો આવી જ વાતો છે. તમને ગમે તે બોલવું, એવું હું શીખ્યો નથી. સંખ્યા ઘટી જાય તેની ચિંતા નથી. ભગવાને જે કહ્યું છે, શાસ્ત્રોમાં જે લખ્યું છે ને મને એ પ્રમાણે જે ગમ્યું છે, તે જ હું કહેવાનો, તમને ગમે તે નહિ.
ગુલાબજાંબુ આદિના ઘણા સ્વાદ ચાખ્યા. હવે આત્માનો સ્વાદ ચાખો. એ માટે રુચિ ઉત્પન્ન કરો. આ રુચિ વિના આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે આંધળા છીએ, એટલું નક્કી માનજો.
* આંખવાળો માણસ રસ્તામાં સીધો ચાલે કે આડોઅવળો ? સ્વાભાવિક છે : દેખતો માણસ રસ્તામાં ક્યાંય ન જ ભટકાય.
શ્રદ્ધાની આંખવાળો માણસ આધ્યાત્મિક માર્ગમાં આડોઅવળો ન ચાલી શકે.
૧૯૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪