________________
દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭
પણ દુર્બળ કરી નાખ્યો. ત્યાર પછી એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગરે વિહાર કરતાં કરતાં કોઈક વખતે તેઓ હસ્તિનાપુર નગરમાં પહોંચ્યા. ત્યાં તે બંને રુચિર નામના ઉદ્યાનમાં દુષ્કર તપની આરાધના કરતા હતા, શાન્ત ચિત્તવાળાઓને સંભોગ-ભૂમિઓ પણ તપ માટે થાય છે. કોઈક સમયે સંભૂતમુનિએ માસક્ષમણના પારણે ભિક્ષા માટે જીવોમાં યતિ ધર્મની જેમ નગરીમાં પ્રવેશ કર્યો. એક ઘરથી બીજા ઘરે ઈર્યાસમિતિ પૂર્વક પરિભ્રમણ કરતા રાજમાર્ગમાં ચાલતા હતા, ત્યારે તેઓ નમુચિ મંત્રીના જોવામાં આવ્યા. “આ તે માતંગપુત્રો છે, કદાચ મારો વૃત્તાન્ત પ્રગટ કરશે” એમ મંત્રીએ વિચાર્યું. કારણ કે, “પાપી લોકો હંમેશાં શંકાવાળા હોય છે. મારી ગુપ્ત હકીકત અહીં કોઈ પાસે પ્રગટ ન કરે, તે પહેલાં હું તેમને નગરમાંથી બહાર કઢાવી મૂકું એમ વિચારી એક સૈનિકને એ કામ સોંપ્યું. જીવિત દાન આપવા વડે પૂર્વના ઉપકારી હોવા છતાં તે તેમને માર મારવા લાગ્યો, કારણ કે, દુર્જન પર કરેલો ઉપકાર સર્પને દૂધપાન કરાવવા સરખો થાય છે. અનાજ-બીજને જેમ ધોકા વડે, તેમ તેમને લાકડીના પ્રહારથી માર્યા એટલે તે સ્થાનથી તે મુનિઓ ઉતાવળા દૂર ચાલ્યા ગયા. તે વખતે મુનિઓ બહાર નીકળી રહ્યા હતા છતાં પણ મારનારાઓ તેમને છોડતા ન હતા ત્યારે મુનિ શાન્ત હોવા છતાં પણ કોપાયમાન બન્યા. ‘શીતળ પાણી પણ અગ્નિના તાપથી ઉકળે છે ત્યાર પછી મુનિના મુખમાંથી ચારે બાજુ ફેલાતો વાદળી રંગનો ધૂમાડો નીકળ્યો, જાણે અકાળે આકાશમાં ચડી આવેલાં વાદળાંનો દેખાવ ન હોય !
જ્વાલા-સમૂહવાળી, વીજળી-મંડળીથી સંકીર્ણ, આકાશ તરફ વેગથી આગળ વધતી તેજોવેશ્યા ઉલ્લાસ પામી. વિષ્ણકુમારથી પણ અધિક તેજોલેશ્યા ધારણ કરનાર તે મુનિને પ્રસન્ન કરવા માટે ભય અને કૌતુકવાળા નગરલોકો આવ્યા.
રાજા સનકુમાર પણ આ હકીકત જાણીને ત્યાં આવ્યો, કારણ કે, ડાહ્યો માણસ જ્યાંથી અગ્નિ પ્રગટ થયો હોય, ત્યાં જ ઓલવવાનો પ્રયત્ન કરે.” રાજાએ મુનિને નમસ્કાર કરી કહ્યું કે, હે ભગવાન ! આ કાર્ય શું આપને ઉચિત ગણાય ? સૂર્યકિરણોથી તપેલો હોય તો પણ ચંદ્રકાન્ત મણિ કદાપિ અગ્નિ ઝરાવતો નથી. આ સર્વેએ આપનો અપરાધ કર્યો છે, તેથી આપને કોપ થયો છે, ક્ષીરસમુદ્રનું મંથન કરતાં શું કાલકૂટ અંદરથી પ્રાપ્ત ન થયું? સજ્જન પુરૂષોને ખલના સ્નેહ સરખો ક્રોધ થાય નહિ, કદાચ થઈ જાય તો લાંબો કાળ ન ટકે, કદાચ લાંબો કાળ રહે, તો પણ ફળમાં જુદો જ પડે માટે આ વિષયમાં આપ સરખાને અમારે શું કહેવાનું હોય ? તો પણ હે નાથ ! આપને હું પ્રાર્થના કરું છું કે અમને ઉચિત એવા કોપનો આપ ત્યાગ કરો. આપ સરખા તો અપકારી અને ઉપકારી ઉપર સમાન દષ્ટિવાળા છો. આ વખતે ચિત્રમુનિ પણ હકીકત જાણીને સંભૂતિમુનિને શાન્ત કરવા માટે આવ્યા. ભદ્રતાથી માફક મધુર વચનોથી શાસ્ત્રાનુસારી વાક્યોથી મેઘના જળસમૂહથી જેમ પર્વતનો દાવાનલ તેમ તેનો કોપ શાંત કર્યો. પૂર્ણિમાના ચંદ્ર માફક મહાકોપરૂપી અંધકારથી મુક્ત બનેલા તે મહામુનિ ક્ષણવારમાં પ્રસન્ન થયા. પછી વંદન કરી ખમાવીને લોકો તે સ્થાનથી પોતાને સ્થાને ગયા અને ચિત્રમુનિ સંભૂતિમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. તે બંને મુનિવરો પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, આહાર ખાતર ઘરે ઘરે ફરવાથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે. આહારથી પોષેલું આ શરીર ચાલ્યા જવાના સ્વભાવવાળું છે, એવા આ શરીરની અને આહારની યોગીઓને શી જરૂર છે ? મનમાં આવા પ્રકારનો નિશ્ચય કરીને તે બંને મુનિઓએ સંલેખનાપૂર્વક ચાર પ્રકારના આહારનાં પચ્ચકખાણ કર્યા. હું પૃથ્વીનું પાલન કરનાર હોવા છતાં સાધુનો પરાભવ કરનાર કોણ છે ? એ પ્રમાણે જાણવાની ઈચ્છાવાળા રાજાને કોઈ કે મંત્રી જણાવ્યો. “જે પૂજવા યોગ્ય છે, તેની પૂજા ન કરે, તે પણ પાપી છે, તો પછી તેને હણે છે, તેને કેવો ગણવો ?' એમ કહી તેને ચોર માફક પકડીને રાજાએ પોતાની