________________
દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭
૯૫
બિમાર પડ્યો એટલે બાંધવ માફક ચાર ગોવાળોએ તેની સેવા કરી. તેમના પર ઉપકાર કરવા માટે તેણે તેમને ધર્મોપદેશ આપ્યો. “સજ્જન પુરૂષો અપકાર કરનાર ઉપર કૃપા કરનાર હોય, તો પછી ઉપકારી પર કેમ ન કરે ?” વૈરાગ્ય પામેલા તેઓ ચાર પ્રકારના ધર્મની ચાર મૂર્તિ હોય તેવા ચારેએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, તેઓ સમ્યક્ પ્રકારે વ્રતનું પાલન કરતા હતા, પરંતુ તેમાંના બે ધર્મની જુગુપ્સા કરતા હતા. ‘જીવોની મનોવૃત્તિ વિચિત્ર હોય છે.' તે બંને જુગુપ્સા કરનાર પણ દેવલોકમાં ગયા. એક દિવસનું કરેલ તપ પણ નક્કી સ્વર્ગ માટે થાય છે.' દેવલોકમાંથી અવીને દશપુર નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની જયવતી નામની દાસીના ગર્ભમાં યુગલરૂપે બે પુત્રો થયા અનુક્રમે યૌવન પામેલા તે બંને પિતાએ આદેશ ર્યા પ્રમાણે ક્ષેત્રનું રક્ષણ કરવા માટે જતા હતા. “દાસીપુત્રોને આવાં જ કાર્ય સોંપવાનાં હોય.” તે બંને સૂતેલા હતા, ત્યારે રાત્રે વડલાની બખોલમાંથી એક કાળો સર્પ નીકળ્યો અને યમરાજના બંધુ સખા તેણે એકને ડંખ આપ્યો. ત્યાર પછી તે સર્પને મેળવવા માટે બીજો ભાઈ ત્યાં ભમતો હતો, ત્યારે વૈરથી જ હોય તેમ તે દુષ્ટ સર્પે તરત બીજાને ડંખ માર્યો. કોઈએ તેમનાં ઝેર ઉતારવા માટે તત્કાળ ઉપાય ન કરવાથી બિચારા તે બંને મૃત્યુ પામ્યા અને જેવા આવ્યા હતા તેવા જ ગયા. ‘નિષ્ફળ જન્મવાળાના જન્મને ધિક્કાર હો.” ત્યારપછી કાલિંજર પર્વતના સપાટ સ્થળમાં મૃગલીના યુગલરૂપે બે મૃગો તરીકે જન્મ્યા અને સાથે વૃદ્ધિ પામી રહેલા હતા તેઓ પ્રીતિ પૂર્વક સાથે ચરતા હતા, ત્યારે કોઈક શિકારીએ એકજ બાણથી બંને મૃગોને એવી રીતે હણ્યા કે જેથી બંને કાલધર્મને પામ્યા. ત્યાંથી વળી મૃતગંગા નદીમાં રાજહંસિકાના ગર્ભમાં પૂર્વજન્મ માફક યુગલરૂપે પુત્રપણે ઉત્પન્ન થયા. એક પ્રદેશમાં બંને ક્રીડા કરતા હતા, ત્યારે એક જાળવાળા પારધિએ જાળમાં પકડી, ડોક મરડીને તેઓનો ઘાત કર્યો. “ધર્મહીનોની આવી જ ગતિ થાય છે. ત્યાર પછી વારાસણીમાં મહાધનથી સમૃદ્ધ ભૂતદત્ત નામના માતંગોના અધિપતિના પુત્રપણે થયા. ચિત્ર અને સંભૂતિ એ બે નામના તેઓ માંહોમાંહે અત્યંત સ્નેહવાળા હતા, નખ અને માંસ માફક સંબંધવાળા તેઓ કદાપિ વિખૂટા પડતા ન હતા.
તે વખતે વારાણસીમાં શંખ નામનો રાજા હતો, તેને પ્રસિદ્ધ નમુચિ નામનો પ્રધાન હતો. કોઈક દિવસે મહારાજાએ મોટા અપરાધના કારણે વધ કરવા માટે ભૂતદત્ત નામના વધ કરનારને નમુચિ અર્પણ કર્યો. તેણે નમુચિને કહ્યું, જો તું મારા પુત્રોને ગુપ્તપણે ભોંયરામાં ભણાવે, તો હું મારા બંધુ માફકે તારું રક્ષણ કરું, નમુચિએ માતંગપતિનું તે વચન સ્વીકાર્યું. કારણ કે, જીવિતાર્થી માણસ એવું કંઈ નથી, જે ન કરે.' ચિત્ર અને સંભૂતિ બંનેને તે અનેક પ્રકારની વિવિધ કળાઓ ભણાવતો હતો. દરમ્યાન માતંગપતિની ભાર્યા સાથે અનુરાગ પૂર્વક રમણ-ક્રીડા કરવા લાગ્યો. આ વાત ભૂતદત્તના જાણવામાં આવી, એટલે તે તેને મારી નાખવા તૈયાર થયો. પોતાની પત્ની વિષે પારદારિક (જાનકર્મ) ઉપદ્રવ કોણ સહન કરી શકે?” માતંગપુત્રોએ આ વાત જાણીને તે નમુચિને દૂર ખસેડી નાખ્યો અને તેને પ્રાણરક્ષણરૂપ દક્ષિણા આપી. ત્યાંથી નીકળી નમુચિ હસ્તિનાપુર ગયો અને સનકુમાર ચક્રીએ તેને પોતાનો મંત્રી બનાવ્યો. આ બાજુ નવયૌવન પામેલા ચિત્ર અને સંભૂતિ કોઈપણ કારણથી અશ્વિનીકુમાર દેવોની માફક પૃથ્વીમાં ફરતા ફરતા અહીં આવ્યા. હાહા-હૂહૂ દેવગાંધર્વોથી પણ ચડીયાતું મધુર ગીત ગાવા લાગ્યા, તુમ્બરુ અને નારદ કરતાં પણ ચડીયાતી વીણા વગાડવા લાગ્યા. ગીત-પ્રબંધમાં ગવાતા સ્પષ્ટ સાત સ્વરો વડે તેઓ જે વીણા વગાડતા હતા, તેની આગળ કિન્નર દેવો પણ હિસાબમાં ન હતા. જ્યારે તે બંને ધીર ઘોષવાળું મૃદંગ વગાડતા હતા, ત્યારે મુર દૈત્યના કંકાલ-અસ્થિપિંજરરૂપ વાજિંત્રને ગ્રહણ કરેલા કૃષ્ણનું અનુકરણ કરતા હતા.