Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 574
________________ દશમો પ્રકાશ, શ્લો.૧૦-૧૩ ૫ ૨૩ ૮૮૦ प्रतिक्षणसमुद्भूतो, यत्र कर्मफलोदयः चिन्त्यते चित्ररूपः स, विपाकविचयो मतः ॥ १२ ॥ ८८१ या सम्पदाऽर्हतो या च, विपदा नारकात्मनः । एकातपत्रता तत्र, पुण्याऽपुण्यस्य कर्मणः ॥ १३ ॥ ટીકાર્ય - ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા કર્મફળનો ઉદય વિવિધ પ્રકારે ચિંતવવો, તે ‘વિપાક-વિચય' ધર્મધ્યાન કહેવાય. તે જ વાત વિચારતાં જણાવે છે કે અરિહંત ભગવંત સુધીની જે સંપત્તિઓ તેમ જ નરકના આત્મા સુધીની જે વિપત્તિઓ તે બે, બંને સ્થળે અનુક્રમે પુણ્ય અને પાપનું જ માત્ર એક છત્ર સામ્રાજ્ય સમજવું. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે - દ્રવ્ય, ક્ષેત્રાદિની સામગ્રીથી વિચિત્ર પ્રકારના કર્મનાં શુભાશુભ ફળ અનુભવાય છે, તે જ કર્મનું ફળ માનેલું છે. તેમાં સ્ત્રી-આલિંગન, પુષ્પમાળાનો ભોગ, મનગમતા ખાદ્ય પદાર્થો આદિના ભોગ અનુભવવા રૂપ શુભ પુણ્યકર્મનો ઉદય અને સર્પ, હથિયાર, અગ્નિ, ઝેર આદિ પ્રતિકૂળતાવાળા પદાર્થોથી જે દુઃખાનુભવ થાય, તે અશુભ પાપકર્મનું ફળ સમજવું. આ દ્રવ્ય-સામગ્રી કહી. દેવવિમાન, હવેલી, બંગલા, મહેલ, (એરકંડીશન ફૂલેટ), બાગ, બગીચામાં રહેવાથી શુભ પુણ્યનો ઉદય અને સ્મશાન, જંગલ, રણ વગેરેમાં અશુભ પાપનો ઉદય, કાળની વિચારણામાં બહુ ઠંડી નહીં, બહુ ગરમી ન હોય તેવા વસંત અને શરદ ઋતુના આનંદદાયક કાળમાં શુભ પુણ્યોદય અને ઉનાળા કે બહુ ઠંડીના ગ્રીષ્મ ઋતુ કે હેમંત ઋતુમાં ભ્રમણ કરવું પડે, તે અશુભ પાપોદય. ભાવ સંબંધી વિચારતાં મનની પ્રસન્નતા થાય, સંતોષ, સરળતા, નમ્રતા આદિ શુભ પુણ્યોદય અને ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રૌદ્રપણું વગેરે ભાવો અશુભ પાપોદય સમજવો. ઉત્તમ જાતિના દેવ થવું, યુગલીયાની ભોગભૂમિમાં મનુષ્યપણે થવું, ભવ-વિષયક શુભ પુણ્યોદય, વળી કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ આદિ ભાવો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને પણ થાય છે. આ પ્રમાણે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી જીવોનાં કર્મો પોતપોતાને યોગ્ય ફળ આપે છે અને તે કર્મો આઠ જ પ્રકારનાં આ પ્રમાણે છે – જેમ આંખવાળા મનુષ્યને આંખે પાટો બાંધ્યો હોય, તેમ સર્વજ્ઞ-સ્વરૂપ એવા જીવનું હંમેશાં જ્ઞાન ઢંકાઈ જાય, તે જ્ઞાનાવરણીય કર્મનું ફલ સમજવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન જેનાથી અવરાઈ જાય, તે જ્ઞાનાવરણ કર્મનું ફળ સમજવું. પાંચ પ્રકારની નિદ્રા, ચક્ષુ, અચ, અવધિ અને કેવળ એમ ચાર દર્શનને રોકનાર કર્મ, તે દર્શનાવરણીય કર્મનો ઉદય છે. જેમ સ્વામીનાં દર્શન કરવાની ઈચ્છાવાળાને અહિં પહેરેગીર રોકતો હોવાથી દર્શન પામી શકતો નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી પોતે પોતાને પણ દેખી શકતો નથી. વેદનીયકર્મ મધ ચોપડેલી તલવારની ધાર ચાટવા સરખું, સુખ-દુઃખના અનુભવ કરવાના સ્વભાવ સરખું કહેલું છે. મધનો સ્વાદ મધુર લાગે છે, પણ ચાટતાં ધારથી જીભ કપાય છે, ત્યારે દુઃખાનુભવ સહેવો પડે છે. મદિરાપાન કરવા સરખું મોહનીય કર્મ વિચક્ષણ પુરુષો જણાવે છે કે જેનાથી મૂઢ બનેલા આત્માઓને કાર્યાકાર્યનાં વિવેકનો ખ્યાલ રહેતો નથી, તે કર્મ પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય અનુક્રમે મિથ્યાદષ્ટિપણાનું ફળ અને વ્રત-પચ્ચખ્ખાણને રોકવા રૂપ ફળ આપનાર છે. કેદખાના માફક જીવને પોતાના સ્થાનમાં ધારી રાખનાર મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવતા એમ આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. વિવિધ પ્રકારના ચિત્રામણ કરનાર સરખું જીવોના શરીરમાં ગતિ, જાતિ, શરીર, સંસ્થાન, સંઘયણ આદિ અનેક વિચિત્રતા કરનાર હોય તો નામકર્મનો ઉદય સમજવો. દૂધ ભરવા અને મદિરા ભરવા માટે ભાજન ઘડનાર કુંભાર સરખું ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ આપનાર ગોત્રકર્મ જાણવું. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આદિ લબ્ધિઓ જે કારણે ફળીભૂત થતી નથી, તે ભંડારી સરખું અંતરાયકર્મ જાણવું. આ પ્રમાણે કર્મની આઠ મૂળ પ્રકૃતિઓના વિપાકોના વિચાર કરતો ‘વિપાક-વિચય' નામનું ધર્મધ્યાન કરે છે. તે ૧૨-૧૩ ll

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618