________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭
૧૦૧
વક્ષસ્થલને પટ્ટ વડે ઢાંકી દીધું. એવી રીતે સૂત્રધાર માફક બ્રહ્મપુત્રનો વેશપલટો કરાવ્યો અને પડખે રહેનાર મંત્રીપુત્રે પણ તે જ પ્રમાણે કર્યું.
ત્યાર પછી પૂર્ણિમાના ચંદ્ર અને સૂર્ય સ૨ખા બંનેએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈક બ્રાહ્મણે ભોજન માટે નિમંત્રણ કર્યું. તેણે રાજાને અનુરૂપ એવી ભક્તિથી ભોજન કરાવ્યું ‘ઘણે ભાગે મુખના તેજના અનુસાર સત્કાર થાય છે.' બ્રાહ્મણપત્ની કુમારના મસ્તક પર અક્ષત વધાવતી શ્વેતવસ્ત્ર-યુગલ પહેરેલ અપ્સરા સમાન રૂપવાળી કન્યા લાવી. એટલે વરધનુએ તેને કહ્યું કે, હે મૂઢ ! આખલાના ગળે ગાય વળગાડવા માફક કલાહીન એવા આ બટુકને ગળે આને કેમ બાંધે છે ? ત્યારે ઉત્તમ બ્રાહ્મણે કહ્યું કે, ગુણો વડે મનોહર આ બંધુમતી નામની મારી કન્યા છે અને આના વગર બીજો કોઈ તેને યોગ્ય વર નથી. “આનો પતિ છ ખંડ પૃથ્વીનું રક્ષણ કરનાર ચક્રવર્તી થશે” એમ નિમિત્ત જાણકારોએ કહેલું છે અને આ તે જ છે. તેઓએ વળી એમ પણ મને કહ્યું કે, શ્રીવત્સની નિશાની પટ્ટથી ઢાંકી હશે અને તારા ઘરે જે ભોજન ક૨શે, તેને આ કન્યા આપવી. તે વખતે તે કન્યા સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયો. ‘ભોગીઓને વગર ચિંતવેલા અત્યંત ભોગો પ્રાપ્ત થાય છે.’ તે રાત્રિ ત્યાં રહીને અને બંધુમતીને આશ્વાસન આપીને કુમાર બીજે ચાલ્યો ગયો. ‘જેને શત્રુ હોય, તેમને એક સ્થળે રહેવાનું ક્યાંથી હોય ?' સવારે એક ગામે પહોંચ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વે માર્ગો પર ચોકી પહેરા ગોઠવી દીધેલા છે. એટલે આડો માર્ગ પકડી ચાલતા હતા. ત્યારે દીર્ઘના ભયંકર સૈનિક સરખા શ્વાપદોવાળી મહાઅટવીમાં આવી પડ્યા. ત્યાં તૃષાવાળા કુમારને વડના વૃક્ષ નીચે મૂકીને વરધનુ મનસરખા વેગથી પાણી લેવા ગયો. એટલે ‘આ વરધનુ છે’ એમ ઓળખીને વરાહના બચ્ચાને જેમ કૂતરાઓ તેમ દીર્ઘ રાજાના પુરૂષોએ રોષથી તેને ઘેરી પકડી લીધો. ‘અરે ! આને પકડો પકડો, મારી નાંખો, મારી નાંખો’ એમ ભયંકર રીતે બોલતા તેઓએ વરધનુને પકડી લીધો અને બાંધ્યો. તેણે બ્રહ્મદત્તને એવી સંજ્ઞા કરી કે, તું અહીંથી નાસી છૂટ, કુમાર પણ પલાયન થઈ ગયો. ‘સમય આવે ત્યારે પરાક્રમની પરીક્ષા થાય છે.' ત્યાર પછી તે અટવીથી મહાઅટવીની અંદર વેગથી વગર થાક્યે પહોંચ્યો અને વળી એક આશ્રમથી બીજા આશ્રમે પહોંચ્યો. ત્યાં તેણે સ્વાદવગરનાં અને અગમતાં ફળોનાં આહાર કર્યો અને ત્રીજા દિવસે આગળ એક તાપસને દેખ્યો. એટલે હે ભગવંત ! આપનો આશ્રમ ક્યાં છે ? એમ પૂછ્યું એટલે તે તાપસ તેને પોતાના આશ્રમ સ્થાને લઈ ગયો. કારણકે ‘તાપસોને અતિથિઓ પ્રિય હોય છે' કુમારે કુલપતિને દેખ્યા એટલે હર્ષથી પિતા માફ: વંદન કર્યું. ‘અજાણી વસ્તુ માટે અંતઃકરણ પ્રમાણ ગણાય છે. કુલપતિએ કહ્યું ‘હે વત્સ ! મારવાડમાં કલ્પવૃક્ષ માફક સુંદર આકૃતિવાળા તારે અહીં આવવાનું પ્રયોજન શું થયું ?' ત્યાર પછી તે મહાત્મામાં વિશ્વાસ રાખનાર બ્રહ્મપુત્રે પોતાનો વૃત્તાન્ત જણાવ્યો., કારણ કે ઘણે ભાગે તેવાઓ પાસે કંઈ છુપાવવાનું ન હોય. ત્યાર પછી હર્ષિત થએલા કુલપતિએ ગદ્ગદ્ અક્ષરે કહ્યું કે હું તારા પિતાનો લઘુબંધુ છું. અમે દેહથી ભિન્ન હતા પણ અમારો આત્મા તો એક જ હતો માટે હે વત્સ ! તારા ઘર માફક અહીં તારી ઈચ્છા પ્રમાણે રહે, તેમજ અમારા મનોરથો સાથે અમારા તપો વડે પણ તું વૃદ્ધિ પામ. લોકોનાં નેત્રોને અતિશય આનંદ કરાવતો સર્વને વલ્લભ તે આશ્રમમાં રહેલો હતો, એટલામાં વર્ષાકાળ પણ પ્રાપ્ત થયો. ત્યાં રહેલા તેને બલદેવે જેમ કૃષ્ણને તેમ તે કુલપતિએ સર્વ શાસ્ત્રો, શસ્ત્રો અને અસ્ત્રો ભણાવ્યાં. બંધુ જેમ સારસ પક્ષીઓના મધુર શબ્દોવાળી વર્ષો વીત્યા પછી શરદઋતુ આવતા તાપસો ફળો લેવા માટે વનમાં ચાલ્યા. કુલપતિએ આદરપૂર્વક રોકવા છતાં પણ બચ્ચાઓ સાથે જેમ હાથી તેમ તાપસો સાથે બ્રહ્મદત્ત પણ વનમાં ગયો.