________________
૧૬૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નેત્રવાલા રામે કુંભકર્ણને અને લક્ષ્મણે મેઘનાદને કહ્યું કે, “ઉભા રહો, ઉભા રહો’ સુગ્રીવે પણ જોર કરીને કૂદકો માર્યો પણ રાવણના નાનાભાઈએ મુઠ્ઠીથી તેને પકડી રાખ્યો, પરંતુ પારો મુઠ્ઠીમાં કેટલો સમય પકડી રાખી શકાય ? ત્યાંથી વળી કુંભકર્ણ પાછો વળ્યો અને રામની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અને જગતને લોભાવતો, કંટાળ્યા વગર મેઘનાદ પણ લક્ષ્મણ સાથે લડવા લાગ્યો. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા રામ અને રાવણ એકઠા મળ્યા અને ઉત્તર અને દક્ષિણ સમુદ્ર સરખા લક્ષ્મણ અને રાવણપુત્ર શોભતા હતા. ફરી રાક્ષસોના પણ સાચા રાક્ષસ રામે રાવણના નાના ભાઈને અને લક્ષ્મણે રાવણપુત્રને પાડીને પકડ્યો. હવે ઐરાવણ સરખો ભુવનને ભય પમાડનાર રાવણ રોષથી સમગ્ર વાનરસેના રૂપી હાથીઓને પીસતો યુદ્ધભૂમિમાં આવ્યો, ત્યારે લક્ષ્મણે કહ્યું “હે આર્ય ! આપને યુદ્ધમાં ઉતરવાની જરૂર નથી' એમ રામને અટકાવીને ધનુષ અફાળતાં પોતે શત્રુ સન્મુખ થયો. ત્યાર પછી લાંબા સમય સુધી અસ્ત્રવિદ્યામાં પ્રવીણ રાવણે સમગ્ર અસ્ત્રોથી લડીને અમોઘ શક્તિ નામના અસ્ત્રથી લક્ષ્મણની છાતીમાં જલ્દી પ્રહાર કર્યો. શક્તિ વડે ભેદાયેલ લક્ષ્મણ પૃથ્વી પર પડ્યો અને રામ પણ જલ્દી શોકાતુર થયા. પ્રાણો વડે પણ હિત ઈચ્છનારા સુગ્રીવ વગેરે સુભટોએ રામ અને લક્ષ્મણની ચારે બાજુ સૈનિકો કિલ્લેબંધી કરી વિટળાઈ વળ્યા. ત્યાર પછી રાવણે વિચાર્યું કે, આજે લક્ષ્મણ મૃત્યુ પામશે. એટલે તેના અભાવમાં રામ પણ એ જ દશા પામશે, તો હવે ફોગટ મારે યુદ્ધ શા માટે કરવું ? એમ વિચારીને નગરીમાં ગયો. રામને કિલ્લાઓ રૂપે સૈનિકો વીંટળાએલા છે તેના ચાર દ્વારોની ચોકી રાત્રે સુગ્રીવ વગેરે કરતા હતા. દક્ષિણ દિશાના દ્વારનું રક્ષણ કરનાર ભામંડલને પહેલાના પરિચિત કોઈ વિદ્યાધરાગ્રણીએ આવીને કહ્યું કે, અયોધ્યા નગરીથી બાર યોજન દૂર કૌતુક મંડલ નામનું પત્તન છે, ત્યાં કૈકયીનો ભાઈ દ્રોણધન નામનો રાજા છે, તેની વિશલ્યા નામની કન્યા છે, તેના સ્નાન જળના સ્પર્શથી તે જ ક્ષણે શલ્ય ચાલ્યું જાય છે, જો સવાર પહેલા લક્ષ્મણને તે સ્નાન-જળનો છંટકાવ થશે, તો તે શલ્ય વગરનો થઈ જીવી શકશે, નહિતર જીવશે નહિ માટે મારા વિશ્વાસથી રામભદ્રને જલ્દી વિનંતી કરી કે, કોઈને પણ તે લાવવા આજ્ઞા આપે, આ સ્વામિ-કાર્ય માટે ઉતાવળ કર, સવાર પડી જશે તો શું થશે ? “ગાડુ ઉલળી ગયા પછી ગણાધિપ (ગણપતિ) પણ શું કરે ?' - ત્યાર પછી ભામંડલે રામ પાસે જઈને આ હકીકત નિવેદન કરી એટલે રામે તે માટે હનુમાન સાથે તેને જવા આજ્ઞા કરી. પવન સરખા વેગવાળા વિમાન વડે તેઓ બંને અયોધ્યામાં આવ્યા, ત્યારે મહેલની અંદર સુતેલા ભરતને જોયો. ભરતને જગાડવા માટે તે બંને મધુર ગીત ગાવા લાગ્યા. રાજકાર્યમાં પણ રાજાઓને ઉપાય કરીને જગાડાય છે.” જાગેલા ભરત આગળ નમસ્કાર કરતા ભામંડલને જોયો અને કાર્ય પૂછયું એટલે ભામંડલે કાર્ય કહ્યું. આપ્ત (હિતેષી ઈષ્ટ)ને ઈષ્ટ સંબંધમાં પ્રરોચના કરવાની ન હોય. ‘હું
ત્યાં જાતે આવીશ, તો કાર્ય સિદ્ધ થશે.” એટલે તે વિમાનમાં આરૂઢ થઈ કૌતુકમંગલ નગર ગયો. દ્રોણ ધન રાજા પાસે ભરતે વિશલ્યાની માંગણી કરી એટલે તેણે બોલાવી હજાર સ્ત્રી સાથે તેને આપી. ભામંડલ પણ ભરતને અયોધ્યામાં મૂકીને પરિવારવાળી વિશલ્યા સાથે ઉત્સુકતાથી આવી પહોંચ્યો. પ્રકાશમાન દીપક સમાન વિમાનમાં બેઠેલા ભામંડલને ક્ષણવાર સૂર્યોદય થવાની ભ્રાન્તિપૂર્વક ભય પામેલા સ્વજનોએ દેખ્યો પછી ભામંડલ વિશલ્યાને લક્ષ્મણ પાસે લઈ ગયો. તેણીએ લક્ષ્મણને હાથથી જ્યાં સ્પર્શ કર્યો એટલે ક્ષણવારમાં લાકડીથી જેમ મોટી સર્પિણી તેમ શક્તિ નીકળીને ક્યાંય ચાલી ગઈ. ત્યાર પછી રામની આજ્ઞાથી તેના સ્નાન-જળથી બીજાને પણ છાંટ્યા એટલે નવો જન્મ પામ્યા હોય તેવા સૈનિકો શલ્ય વગરના થયા. કુંભકર્ણ વગેરેને પણ આનું સ્નાનજળ છંટકાવ કરવા માટે લાવો” એમ રામે આજ્ઞા કરી.