________________
૧૮૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આજે મારો યુદ્ધનો પરોણો થાય, એમાં આટલી ચિંતા કેમ ? બુદ્ધિસાધ્ય કાર્યમાં શસ્ત્ર-અસ્ત્રની કથા કરવી નકામી છે.” બુદ્ધિબળનો જે હું પ્રયોગ કરીશ.' તે બુદ્ધિ જય આપવામાં કામધેનુ છે.” પછી તેણે નગર, બહાર શત્રુ-સૈન્યના પડાવની ભૂમિમાં લોઢાના ડાભડાની અંદર સુવર્ણ-મહોરો દટાવી. સમુદ્ર-જળ જેમ ગોળાકાર ભૂમિને તેમ પ્રદ્યોતરાજાનાં સૈન્ય રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયે પ્રદ્યોતરાજાને મીઠું બોલનાર ગુપ્ત જાસુસો દ્વારા આ પ્રમાણે લેખ લખીને મોકલાવ્યો કે, “શિવાદેવી અને ચેલણાની વચ્ચે મને લગાર પણ જુદાઈ નથી, તેથી શિવાદેવીના સંબંધથી તમે મને હંમેશા માન્ય જ છો, તો અવન્તિનરેશ ! હું તમને એકાંત હિતબુદ્ધિથી સલાહ આપું છું. કે, “આ શ્રેણિક રાજાએ તમારા સર્વ રાજાઓને ભેદી નાંખ્યા છે, તેઓને પોતાને તાબે કરવા માટે સોનામહોરો મોકલી છે, તે સ્વીકારી તમને બાંધીને મારા પિતાને તેઓ અર્પણ કરશે. તેની ખાત્રી માટે તમને જણાવું છું કે, તેમના માટે તેમના આવાસ સ્થળની નીચે સોનામહોરો દાટેલી છે. માટે ખોદાવીને તપાસ કરજો. દીવો હાજર હોય, પછી અગ્નિથી કોણ દેખે?” આ જાણીને એક રાજાના પડાવ નીચે ખોદાવ્યું. તો તે પ્રમાણે સોનામહોરો મળી ગઈ, તે દેખી તે એકદમ પલાયન થયો, તે નાસી ગયો, એટલે સમગ્ર સમુદ્રને જેમ વલોવે તેમ તેના સમગ્ર સૈન્યને ચારે બાજુથી ઘેરી લઈ તેના સારભૂત હાથી, અશ્વો વગેરે શ્રેણિક કબજે કર્યા. નાક પર આવી ગયેલા જીવવાળો પ્રદ્યોતરાજા વાયુવેગવાળા અશ્વથી કોઈ પ્રકારે પોતાની નગરીએ પહોંચી ગયો. જે ચૌદ રાજાઓ હતા, તેમ જ જે બીજા મહારથીઓ હતા. તેઓ પણ કાગડાની માફક નાસી ગયા. કારણ કે “નાયક વગરનું સૈન્ય હણાયેલું જ છે' વીખરાએલા ઉડતા કેશવાળા, છત્ર વગરના મસ્તકવાળા, તે રાજાઓ પ્રદ્યોતરાજાની પાછળ ઉજ્જયિની નગરીએ પહોંચ્યા. “આ તો બધા અભયનાં કારસ્થાનો છે, અમે એમ કરનારા નથી. એમ કહી તેઓએ સોગનપૂર્વક પ્રદ્યોતરાજાને વિશ્વાસ કરાવ્યો.
કોઈક સમયે અવંતિનરેશે સભામાં ક્રોધ કરતા કહ્યું કે, “જે અભયને બાંધી મને અર્પણ કરે. તેને ઈચ્છા પ્રમાણે ધન આપીશ' કોઈ એક ગણિકાએ પતાકા સરખો હાથ ઉંચો કરીને પ્રદ્યોતને વિનંતી કરી કે, “આ કાર્ય કરવામાં હું સમર્થ છું. રાજાએ તે કાર્યની તેને અનુમતિ આપી કે આ કાર્ય તુ કર અને આમાં ધન વગેરે જે સહાયની જરૂર હોય તે કહે. તેણે વિચાર કર્યો કે, અભય બીજા ઉપાયોથી પકડી શકાય તેમ નથી, માટે ધર્મના પ્રપંચથી મારા કાર્યની સિદ્ધિ કરું. ત્યાર પછી તે ગણિકાએ બીજી વયવાળી બે પ્રૌઢ સ્ત્રીઓની માંગણી કરી. તે તથા પુષ્કળ દ્રવ્ય પણ રાજાએ આપ્યું. હંમેશા સંયત સાધ્વીઓની ઉપાસના કરતાં કરતાં આદરવાળી. ઉત્કટ બુદ્ધિવાળી ત્રણે સ્ત્રીઓ બહુશ્રુતવાળી બની ગઈ. ત્રણ જગતને ઠગવા માટે માયાની જાણે મૂર્તિઓ હોય તેવી તે ત્રણે સ્ત્રીઓ શ્રેણિકથી અલંકૃત રાજગૃહ નગરમાં આવી. નગર બહાર ઉદ્યાનમાં તેઓએ પડાવ નાખ્યો અને ગણિકા શિરોમણિ ચૈત્ય-પરિપાટી કરવાની ઇચ્છાથી નગરમાં ગઈ. રાજાના કરાવેલા ચૈત્યમાં અતિશય વિભૂતિ-પૂર્વક તેણે તે બંનેની સાથે ત્રણ નિસિહી' કહેવા પૂર્વક પ્રવેશ કર્યો. પ્રભુની પૂજા કરીને તેણે માલવઐશિકી મુખ્ય ભાષામાં મધુર વાણીથી દેવવંદન કરવાનું શરૂ કર્યું. તે સમયે ત્યાં અભયકુમાર પણ પ્રભુની પૂજા કરવાની અભિલાષાથી ગયો, ત્યારે એ ત્રણેને આગળ દેવવંદન કરતા દેખ્યા. એટલે જો હું અંદર પ્રવેશ કરીશ, તો તેમને દેવદર્શનમાં અંતરાય થશે, એમ ધારીને અભયે રંગમંડપમાં પ્રવેશ ન કર્યો અને દ્વારમાં જ ઉભો રહ્યો. મુક્તાશુક્તિ મુદ્રાથી પ્રણિધાન સ્તુતિ કરીને
જ્યારે તે ઉભી થઈ ત્યારે અભય પણ તેની સામે આવ્યો. તેની તેવા પ્રકારની ભાવના અને શાંતવેષ દેખીને અભયે તેમની પ્રશંસા કરતા આનંદપૂર્વક તેમને કહ્યું. “હે ભદ્ર ! ભાગ્યયોગે આજે તમારા સરખાં સાધર્મિકોનો સમાગમ થયો. આ સંસારમાં વિવેકી આત્માઓને સાધાર્મિકથી અધિક બીજો કોઈ બંધુ નથી.