________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૫-૬૭
૩૯૯ અહીં આકાશ બે પ્રકારનું લોકાકાશ અને અલોકાકાશ. જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલોનો સંભવ છે, તે લોકાકાશ અને તે સિવાયનું અલોકાકાશ. કહેવું છે કે- “ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની વૃત્તિ જે ક્ષેત્રમાં હોય, તે દ્રવ્યસહિત લોક કહેવાય અને એથી વિપરીત, તે અલોક કહેવાય', સૂક્ષ્મ બાદર, પ્રત્યક, સાધારણરૂપ એકેન્દ્રિયના ભેદોથી તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જુદા જુદા ભેદવાળા જીવો, પોતાના કર્મથી, નહિ કે ઈશ્વરાદિકની પ્રેરણાથી સમગ્ર લોકાકાશને જન્મ-મરણ દ્વારા સ્પર્શ કર્યો છે. બીજાઓ કહે છે કે “અજ્ઞાની જીવ પોતાના સુખ-દુઃખના વિષયમાં અસમર્થ છે, તેથી ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગમાં કે નરકમાં જાય છે' (મહાભારત ૩૧-૨૭) તેમાં ઈશ્વરની પ્રેરણા જો કર્મથી નિરપેક્ષ માનવમાં આવે, તો વિશ્વનું વિવિધરૂપ વિલય પામે. કર્મની સાપેક્ષતા માનીએ તો ઈશ્વરની અસ્વતંત્રતા કે નિષ્ફળતા થાય. કર્મો જ માત્ર પ્રેરક છે, વચમાં ઈશ્વરની શી જરૂર છે ? વિતરાગસ્તોત્ર ૭પ માં અમે કહેલું જ છે કે, “કર્મની અપેક્ષાએ કર્તા જો ઈશ્વર માનીએ, તો તે અમારી માફક સ્વતંત્ર નથી અને જગતનું વૈચિત્ર્ય કર્મથી સ્વીકારીએ તો પછી વચ્ચે એ શિખંડી (નપુંસક)નું શું પ્રયોજન છે ?
અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે :નારકીગતિનાં દુઃખો
ઘણા ભાગે જેમાં ઘણાં દુ:ખો રહેલાં છે. કર્મના સંબંધથી પીડા પામતા સંસારી જીવોના નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ભેદો કહેલા છે. પ્રથમની ત્રણ નરકમાં ઉષ્ણવેદના, બાકીની ચારમાં શીતવેદના, ચોથીમાં શીત અને ઉષ્ણવેદના, નારકીના જીવોને આ પ્રમાણે ક્ષેત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ હોય છે. ઉષ્ણ અને શીત વેદનાવાળી નરકમાં કદાચ જો લોહનો પર્વત પડે, તો તે ભૂમિ સુધી પહોંચ્યા પહેલાં જ ઓગળી કે વિખરાઈ જાય. વળી નારકીના જીવો માંહોમાંહે એક-બીજાને દુઃખની ઉદીરણા કરે છે, તેમજ પરમાધાર્મિક દેવો વડે દુઃખ અપાતા તે જીવો ત્રણ પ્રકારના દુ:ખની પીડા પામતા નરકમૃથ્વીમાં વાસ કરે છે. કુંભીયંત્રમાં ઉત્પન્ન થયેલા તે નારકી જીવોને તે અસુરો બળાત્કારથી નાના દ્વારમાંથી સીસાની સળી માફક બહાર ખેંચી કાઢે છે. ધોબીઓ જેમ શિલાપીઠ ઉપર કપડાને ઝીંકે, તેમ પરમાધામીઓ હાથ, પગ વગેરે પકડીને વજન કાંટાવાળી શિલા ઉપર અફાળે છે. જેમ કરવત વડે લાકડાં વિદારણ કરાય, તેમ ભયંકર કરવતથી તે નારકીઓને દેવો વિદારે છે. તેમ જ જેમ તલ પીસીને ઘાણીમાંથી તેલ કઢાય, તેમ યંત્રોથી તે જીવોને પીલે છે. તૃષાથી પીડાતા તેમને બિચારાને વળી તપાવેલા સીસા કે તાંબાના રસ વહેતી વૈતરણી નદીમાં વહેવડાવે છે. તડકામાં દાઝતાં છાંયડામાં જવાની અભિલાષા કરે, તો અસિવનમાં છાંયડામાં પહોંચતાં જ ઉપરથી તલવારની ધાર સરખાં પાંદડાં પડવાથી તેમના શરીરના તલ સરખા સેકડો ટુકડા થઈ જાય છે. પહેલાના ભવોમાં પારકી સ્ત્રી સાથેના રમણ-પ્રસંગો યાદ આપીને વજ કાંટાવાળી શાલ્મલી વૃક્ષની ડાળીઓ તથા તપાવેલી લોહ-પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે. પહેલાનાં માંસ ખાવાના પ્રસંગો યાદ આપીને તથા મદિરા-વ્યસનની લોલુપતા જણાવીને તેમને પોતાનાં અંગોમાંથી માંસ કાપીને ખવડાવે છે તથા તપાવેલા સીસાના રસનું પાન કરાવે છે. અંગારામાં શેકાવું, દડા માફક છાળવું, મહાશૂળીમાં ભોંકાવું, કુંભીપાકની વેદના, ઉકળતા તેલમાં તળાવું, ગરમ રેતીમાં પાણી માફક ભુંજાવુ ઈત્યાદિક સતત વેદનાઓ પરાધીનતાએ પાપકર્મી આત્માઓને નરકમાં રડતાં રડતાં અનુભવવી પડે છે. બગલા, કંકપક્ષી ઈત્યાદિ હિંસક પક્ષીઓ તેમનાં શરીરને છિન્ન-ભિન્ન કરી નાખે છે, આંખ વિગેરે ઈન્દ્રિયો પણ ખેંચી કાઢે છે, તેમના છૂટા પડેલા શરીરના અવયવો પાછા ભેગા મળી જાય છે આ પ્રમાણે મહાદુઃખથી હણાએલા સુખના અંશથી વર્જિત જીવો તેત્રીસ સાગરોપમ જેટલો લાંબો કાળ નરકમાં પસાર કરે છે.