________________
૪૦૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તિર્યચ-ગતિનાં દુઃખો
તિર્યંચ ગતિ પામેલા કેટલાક એકેન્દ્રિયમાં પૃથ્વીકાયપણું પામે છે. હળ વગેરે શસ્ત્રોથી ખોદાવું, હાથીઓથી, ઘોડાઓથી ચગદાયું, જળ-પ્રવાહથી ભીંજાવું, દવાગ્નિથી બળવું, લવણ, ખટાશ, મૂત્રાદિક જળથી વ્યથા પામવી. તથા લવણજળમાં તથા ઉકળતા પાણીમાં કઢાવું, કુંભાર વગેરે નીભાડામાં અગ્નિથી પકાવે, ત્યારે ઘડા, ઈંટ, તાવડી વગેરે રૂપમાં પકાવું, કાદવરૂપ બનતાં તેને ભીંતમાં ચણી લેવાય છે. કેટલાક પુથ્વીકાય, જેવા કે હીરા, રત્ન, પાનાં વગેરેને સરાણ પર ઘસાવું પડે છે. માટીની કડલીમાં સવર્ણને ગાળે ત્યારે અગ્નિમાં દાઝવું પડે. તેમ જ સખત પત્થરોને ટાંકણાથી વિદારાવું પડે અને નદીના પૂરથી પર્વતોને ભેદાવું પડે છે. અપૂકાયપણું પામીને સૂર્યનાં ઉષ્ણ કિરણોમાં તપાવું પડે, હિમમાં બરફ બની થીજાવું પડે, ધૂળમાં શોષાવું પડે, ખારાં, ખાટાં, વિજાતીય જળ પરસ્પર એકઠાં થવાથી તથા હાંડલીમાં રંધાઈને અને તૃષાવાળાઓ વડે પીવાથી અપકાય જીવો મૃત્યુ પામે છે. અગ્નિપણું પામેલા જીવોને જળાદિકથી ઓલવાવું, ઘણ આદિથી કૂટાવું, ઈન્દ્રણાદિકથી બળવું ઈત્યાદિક અગ્નિકાયની વેદના છે. વાયુકાયપણાને
તા જીવો વીંજણા-પંખાદિકથી હણાય છે, શીત ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે. જુદી જુદી પૂર્વાદિ દિશાઓના સર્વે વાયુકાયના જીવો પરસ્પર એકઠા થવાથી વિરાધના પામે છે મુખ, નાસિકા આદિના વાયુવડે વિરાધના થાય છે, તથા સર્પાદિકથી પાન કરાય છે. કન્દ વગેરે દસ પ્રકારનું વનસ્પતિપણું પામેલા એકેન્દ્રિય જીવો છેદાવું, ભેદાવું, અગ્નિના યોગથી રંધાવું, સુકાવું, પીલાવું, અન્યોઅન્ય ઘસાવું, ક્ષારાદિકથી દઝાવું-બળવું અને ખાનારા વડે આહારરૂપ બનવું, સર્વ અવસ્થામાં ખવાવું, ભુજનારા વડે ભુંજાવું, દાવાનલથી રાખોડારૂપ બનવું, નદી-પ્રવાહથી મૂળમાંથી ઉખડી જવું, સર્વ વનસ્પતિઓ સર્વ જીવોને ભોજનરૂપ બનનારી છે, તેથી સર્વ પ્રકારનાં શસ્ત્રો વડે હંમેશાં કલેશ-પરંપરા અનુભવે છે. બેઈન્દ્રિયપણામાં પણ તપવું પડે છે, પોરાઓ પાણી સાથે પીવાય છે, કૃમિઓ પગ વડે હૂંદાય છે, ચકલા, કૂકડાદિક વડે ભક્ષણ કરાય છે. શંખાદિક ખોદી નંખાય છે અને જળો નીચોવાય છે, ઔષધ વિગેરેથી પેટનાં કરમીયાં આદિને પાડીને મારી નંખાય છે ત્રણઈન્દ્રિયપણું પામેલા જીવો જૂ, માંકડ આદિક મસળાવું, શરીરથી દબાઈ જવું, તડકામાં તપવું, ઉષ્ણજળમાં દાઝવું, કીડીઓ પગથી ચંપાય, અગર સાવરણીથી સાફ કરતાં કચરા સાથે વળાવું, ન દેખાય તેવા કુંથુઆ આદીને આસન આદિથી ચગદાઈ જવું પડે છે ઈત્યાદિ વેદના અને મરણ-દુઃખ અનુભવવાં. ચારઈન્દ્રિયવાળા જીવો જેવા કે મધમાખો, ભમરા આદીને મધ ભક્ષણ કરનારાઓ લાકડી,ઢેફાં વિગેરેથી તાડન કરી વિરાધના કરે છે, તાડના પંખા આદિકથી ડાંસ, મચ્છર આદિકને તાડન કરે છે. તથા ગીરોલી, ગોધા આદિ માખ, મંકોડા આદિનું ભક્ષણ કરે છે, પંચેન્દ્રિય જળચર જીવો ઉત્સુકતાથી એક-બીજાને મત્સ્યગલાગલ ન્યાયે ખાઈ જાય છે તથા માછીમારો જાળમાં પકડે છે અને બગલાઓ માછલીઓને ગળી જાય છે. ચામડી ઉખેડીને, તેના માંસની વાનગીઓ બનાવી ખાય છે અને ચરબીના અર્થીઓ તેમાંથી ચરબી કાઢી લે છે. સ્થળચરમાં ઉત્પન્ન થયેલા નિર્બળ મૃગલા વગેરે બળવાન સિંહ આદિથી માંસ ખાવાની ઈચ્છાથી મારી નંખાય છે. શિકાર કરવાના વ્યસનીઓ તેમાં આસક્ત બનેલાં, કેટલાક ક્રીડાના શોખથી, કેટલાક માંસની ઈચ્છાથી તેવા તેવા ઉપાયો કરીને અપરાધ વગરના તે પ્રાણીઓની હિંસા કરે છે. આ બિચારા સ્થળચર પશુઓ ભૂખ, તરસ, ઠંડી, તાપ, અતિભાર ઉંચકવો, ચાબુક, અંકુશ, પરોણી આદિની વેદના અને માર સહન કરે છે. આકાશમાં ઉડનારા પક્ષીઓ તેતર, પોપટ, પારેવા, ચકલા વિગેરે સીંચાણા, બાજ, ગીધ આદિક માંસભક્ષી પક્ષીઓથી ભક્ષણ કરાય છે. માંસલુબ્ધ કસાઈઓ, શિકારીઓ વિવિધ ઉપાયોથી અને પ્રપંચથી વિવિધ વેદનાઓ કરવા વડે તેઓને