________________
નાસ્તિકો રાજાને ઈશ્વર માને છે, પણ આ રાજા ન તો વીતરાગ છે, ન તો નિર્દોષ છે, કે ન તો એ અષ્ટકર્મબંધનથી મુક્ત છે. રાગદ્વેષરહિતતા, કષાય-ઉપશાંતતા, નિર્દોષતા વગેરે ગુણો વત્તા-ઓછા પ્રમાણમાં મનુષ્યોમાં રહેલા છે, તે તો અનુભવસિદ્ધ છે. આવા ઉત્કૃષ્ટ ગુણોને આંશિક રૂપે આપણે ઉચ્ચ સાધકોમાં જોઈએ છીએ. તો પછી તેઓ પૂર્ણ રૂપે ઉપર વર્ણવેલા ગુણો ધરાવતા હોય તેવી વ્યક્તિને જીવનમુક્ત, વીતરાગ, કેવલી, ઈશ્વર કે સિદ્ધ-ઈશ્વર કહેવામાં વાંધો શું ? રાજાની સરખામણીમાં તો આ જીવનમુક્ત ઈશ્વર કે સિદ્ધ-ઈશ્વર ઘણા ચડિયાતા છે.
જો કોઈ ઈશ્વરના નામથી જ ભડકીને ભાગી જતા હોય, તો તેના બદલે તેઓ કોઈ બીજા નામથી તેને માને. એને અવ્યક્ત શક્તિ કહે, પ્રકૃતિ કહે કે પછી બીજા કોઈ નામથી બોલાવે. કોઈને માન્યા વિના છૂટકો જ નથી. છ વિશિષ્ટ લાભ
ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી શું લાભ થાય ? સામાન્ય રીતે ફાયદાની વાત વ્યક્તિને તરત આકર્ષે છે. ઈશ્વરશ્રદ્ધાથી કોઈ હાનિ નથી, બલ્ક અનેક લાભ છે. મુખ્ય છ લાભ છે. સૌ પ્રથમ લાભ એ છે કે પરમાત્મા પર શ્રદ્ધા રાખવાથી મનુષ્ય આપત્તિના સમુદ્રમાં ડૂબી ગયો હોય, ચોતરફ સંકટોનાં વાદળાંથી ઘેરાયેલો હોય, તેમ છતાં સહેજે ગભરાતો નથી.
જો એ ઈશ્વરના કર્તૃત્વમાં માનનારો હોય તો વિચારે છે કે,
“આ દુઃખ, સંક્ટ કે વિપત્તિ ભગવાનનો જ પ્રસાદ છે. આ નિમિત્તે ભગવાન મારી કસોટી કરી રહ્યા છે. જો હું આ પરીક્ષામાં નિષ્ફળ જઈશ તો મારી ભક્તિ અપૂર્ણ, એકાંગી અને સ્વાર્થી છે.”
સંત તુકારામનો પુત્ર માંદો પડ્યો ત્યારે જીજીબાઈએ કહ્યું કે તમે આને માટે કોઈ દેવ-દેવીની માનતા કેમ નથી રાખતા ? સંત તુકારામ બોલ્યા, “માનતામાં હું માનતો નથી. મારે તો પાંડુરંગ(ભગવાન વિષ્ણુ)નો આધાર છે. તેમના પર પૂરો ભરોસો છે. તે જે કંઈ કરશે તે સારું જ કરશે.”
સંત તુકારામનો પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે પણ પુત્રવિયોગમાં તેઓ રડ્યા નહીં. . ઈશ્વરશ્રદ્ધાના અજવાળે