________________
આ અન્યોક્તિ સાધુરૂપી રાજહંસને હૂબહૂ લાગુ પડે છે. સાધુએ સમાજરૂપી સરોવરમાં રહીને તેની પાસેથી આહાર-પાણી લીધાં, સંયમનાં અન્ય સાધનો પ્રાપ્ત કર્યાં, સમાજમાંથી આદર-સત્કાર મેળવ્યો, ધર્મમાં સહયોગ પ્રાપ્ત કર્યો, તેને પણ કવિ પૂછે છે કે, ‘હૈ સાધુ ! તમે એ બતાવો કે સમાજના એ ઉપકારના બદલામાં ક્યું સુકૃત્ય કરીને સમાજના ઉપકારમાંથી તમે ઋણમુક્ત થશો ?''
આ દૃષ્ટિએ આત્મોદ્ધારની સાથે સમાજોદ્ધારનો પ્રયત્ન કરવો એ સાધુઓ માટે અનુચિત નથી. સંસારને બગાડનારાં અથવા તો સંસારમાં ફસાવનારાં કાર્યોમાં પ્રેરણા આપવી અથવા તો સ્વયં એમાં ફસાઈ જવું, એને સાંસારિક કાર્યોમાં પડવું કહેવાય, પરંતુ સંસારને ધર્મકાર્ય તરફ વાળવો અથવા શુભ કાર્યોમાં જોડીને તેને સુધારવો એને સાંસારિક કાર્યમાં ડૂબ્યા, તેમ કહેવાય નહીં.
બીજી વાત એ છે કે સાધુઓએ તો વિશ્વસમસ્તના આત્માઓના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ થવાનું છે, ત્યારે એમાં સમાજના આત્માઓનો ઉદ્ધાર તો આપોઆપ સમાવેશ પામે. કેટલીક વ્યક્તિઓનો આત્મોદ્ધાર શક્ય છે, પણ સમગ્ર સમાજના આત્માઓનો ઉદ્ધાર કદાચ અશક્ય ગણાય. એક વ્યક્તિ સુધરવાથી આખો સમાજ સુધરી જતો નથી, આથી એક કે અનેક વ્યક્તિઓનો આત્મોદ્ધાર થવાથી, એને વ્યાપક રૂપ આપવાથી અથવા તો આત્મોદ્ધારનું સામાજીકીકરણ કરવાથી એટલે કે આત્મોદ્વારને સમગ્ર સમાજમાં ફેલાવવો તે સમાજોદ્ધાર છે. બંનેનો અન્યોન્યાશ્રિત સંબંધ છે, તેથી આત્મોદ્ધારની સાથે સાથે સમાજોદ્ધારની વાત કરવી જરૂરી છે. સમાજોદ્ધારનો પ્રચાર થવાથી અથવા સમાજની વ્યક્તિઓ સુધરી જવાથી વ્યક્તિના આત્મોદ્ધારમાં કોઈ વિઘ્ન નથી આવતું. તે નિર્વિઘ્ને શાંતિથી થઈ શકે છે. એક દૃષ્ટાંતથી આની છણાવટ કરીએ
-
જીવણલાલ નામનો એક મધ્યવર્ગીય ધર્મપરાયણ ગૃહસ્થ આત્માને ઉન્નત કરવા માટે અવિરત પ્રયાસ અને ચિંતન કરતો હતો. જીવણલાલની આવક ઓછી છે અને એના સમાજમાં ખર્ચાળ કુરૂઢિઓ ઘણી હતી. એની પુત્રી યુવાન અને વિવાહ યોગ્ય બની હતી. સમાજમાં દહેજની ભયંકર કુપ્રથા હતી. વળી કરિયાવર ઉપરાંત વરપક્ષને રોકડ રકમ, સોનું અને અન્ય સાધન-સામગ્રી આપવાનો કુરિવાજ હતો. જીવણલાલની આર્થિક
૧૨૨
રત્નત્રયીનાં અજવાળાં