________________
થવાની કોશિશ કરતા નથી, તેણે સમજી લેવું કે તે રાક્ષસ બનવા માટે નિમ્ન કક્ષાએ પતન પામી રહ્યા છે.” વ્યક્તિ માટે આ વાત જેટલી સાચી છે, તેટલી જ સમાજ માટે છે. જે સમાજ ઉત્તમોત્તમ સદ્ગુણો, રીતિઓ અને પ્રથાઓને અપનાવીને ધર્મમાર્ગની સહાયથી દેવ બનીને ઉન્નતિ નહીં સાધે, તે સમાજ વિલાસિતા, દુશ્ચારિત્ર્ય, નૈતિક અધઃપતન અને પાપાચારના કારણે રાક્ષસ બનીને વિનાશના ખાડામાં પડશે.
વર્તમાન સમયમાં વિપરીત સ્થિતિ નજરે પડે છે. પોતાને આસ્તિક ગણાવનારા અને આત્મા-પરમાત્માને માનનારા લોકો દિવ્ય અને દેવાનુપ્રિય બનવાને બદલે ખોટાં કામ કરીને રાક્ષસ કે રાક્ષસપ્રિય બની રહ્યા છે. એવા કેટલાય કહેવાતા આસ્તિકો સમાજના અગ્રણી બન્યા છે, પરંતુ તેમનું જીવન અસત્ય, દગાબાજી, અપ્રમાણિકતા અને અન્યાય-અનીતિથી ધન એકત્રિત કરવામાં પસાર કરે છે. તેઓ વિવાહ, લગ્ન કે ઉત્સવોમાં કુરીતિઓનું પોષણ કરીને લાખો રૂપિયાનો ધુમાડો કરે છે અને ધામધૂમ કરવા માટે રાત-દિવસ એક કરશે, પરંતુ સમાજના નિરાધારો, અનાથો, અપંગો, ગરીબો અને બેકારોને સહાય કરીને એમની સ્થિતિ સુધારવાની હોય કે ધંધો-રોજગાર આપીને એમને સ્વાવલંબી બનાવવા માટે ધન ખર્ચવાનું હોય, તો તે બહાના બતાવે છે. આ તે કેવું આસ્તિકપણું ?
એક રાજા રાજ્યસત્તા હાથમાં લઈને પ્રજારક્ષાનું કશુંય કાર્ય ન કરે, તો તમે એને શું કહેશો ? એવી રીતે તમે આસ્તિક બનીને ઉચ્ચ ધર્મ પામ્યા હોવાથી ધર્મમાં વિશ્વાસ રાખતા હો, તો પછી વિલાસિતા, ફેશન, પ્રમાદ, સમાજસુધારા તરફ ઉપેક્ષા અને ધર્માચરણમાં આળસ અપનાવીને ખોટાં કામ કરો તે કેટલું યોગ્ય ગણાય ? શું તમે તમારાં ખોટાં કાર્યોથી આસ્તિક, ધર્માત્મા કે દેવતાઓના પ્રિય ગણાવાને યોગ્ય ખરા ? જો કોઈ આસ્તિક થઈને અસત્ય બોલે, ચોરી કરે અથવા બીજું કોઈ પાપકર્મ કરે, તો એ તેના વ્યવહારથી નાસ્તિકતા ફેલાવનારા કે નાસ્તિક ગણાય નહીં ?
આજે ઘણી વખત આત્માને ન માનનારા નાસ્તિકો આસ્તિકોની સરખામણીએ વધારે ચારિત્રશીલ, સત્યવાદી અને અન્યાય-અનીતિ પ્રત્યે ધૃણા ધરાવનારા આસ્તિક ન કહી શકાય ? સાચા આસ્તિક અને ધર્મશીલ વ્યક્તિના વિચાર, સંપત્તિ અને શક્તિ સમાજોદ્ધાર માટે, પ્રાણીમાત્રના કલ્યાણ માટે, દેશ, ધર્મ અને સમાજની રક્ષા માટે તથા સમ્યકજ્ઞાનપ્રચાર
૧૨૪
રત્નત્રયીનાં અજવાળાં