________________
દીન-દુઃખીજનોની સેવા અને સહાયતા કરતાં શિખવાડે છે.
પાળે તેનો ધર્મ
આમ ધર્મ માત્ર બોલવાથી થતો નથી, ક્યાંય દુકાનમાં વેચાતો નથી કે બીજા દ્વારા કરાયેલો ધર્મ ખરીદવાથી મળી જતો નથી કે કોઈ ખેતરમાં ઊગતો નથી. ધર્મ તો આચરણની વસ્તુ છે. જે એનું આચરણ કરે છે અને અહિંસા, સત્ય આદિ ધર્મતત્ત્વોને જીવનમાં ઉતારે તેનો ધર્મ છે. ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં જો તમારું મન લોભથી ભરેલું હોય, હૃદયમાં ક્રોધની જ્વાળા ભભૂકતી હોય, અહંકારનો સર્પ ફૂંફાડા મારતો હોય, કપટનો ધુમાડો ફેલાતો હોય, દુર્ભાવોનો રાક્ષસ હૃદયનો રાજા બની બેઠો હોય, દુર્ગુણોના દૈત્ય જીવનમાં કૂદાકૂદ કરતા હોય તો તે ધર્મ નથી. દીનદુઃખીઓને જોઈને હૃદયમાં કરુણાને બદલે ક્રૂરતા કે શોષણની વૃત્તિ જાગતી હોય, અસ્પૃશ્યતા, ભેદભાવ કે દ્વેષ-બુદ્ધિ હૃદયમાં જામી ગઈ હોય, તો સમજી લેવું જોઈએ કે હજી સુધી જીવનમાં શુદ્ધ ધર્મ આવ્યો નથી.
ધર્મ કોઈ દેખાડો કરવાની બાબત નથી. બાહ્ય રીતે ધર્માત્માપણું દેખાડે અને જીવનમાં એનું આચરણ ન હોય તો ધર્મ જીવનમાં પ્રવેશતો નથી. ધર્મ પ્રિય હોય અને શુદ્ધ ધર્મનો ચમત્કાર જોઈ ચૂક્યા હોય, તેમણે ધર્મનો દેખાડો કરવાને બદલે આચરણ કરવું જોઈએ, પરંતુ અફસોસની વાત એ છે કે આજકાલ સમાજમાં ઘણી વ્યક્તિઓ ધર્મ વિશે સારું જ્ઞાન ધરાવે છે, દુનિયાભરની ચર્ચા કરી લે છે, અનેક ધર્મગ્રંથોનું પઠન કરી લે છે, પરંતુ શુદ્ધધર્મના આચરણથી વિમુખ હોય છે. જેમ તરવાનું જ્ઞાન આપતું પુસ્તક વાંચી લેવાથી તરતાં આવડી જતું નથી, રસોઈ-વિજ્ઞાનનું પુસ્તક વાંચી લેવાથી રસોઈ બનાવતાં આવડી જતી નથી, તેવી જ રીતે માત્ર ધર્મગ્રંથોનું વાચન કરવાથી કોઈ ધર્માત્મા બની જતું નથી અથવા તેનામાં ધાર્મિકતા આવી જતી નથી. આથી માત્ર જાણવું એ ધર્મ નથી, બલ્કે ધર્મમય જીવન જીવવું એ ધર્મ છે. જાણેલાં અને સમજેલાં ધર્મતત્ત્વોનું જીવનમાં અમલીકરણ કરવું એ ધર્મ છે. ઘણી વાર એવી વ્યક્તિઓ મળે છે કે જેમને ધર્મશાસ્ત્રનું કે સિદ્ધાંતોનું ગહન જ્ઞાન હોતું નથી અથવા તો તે ધર્મની સૂક્ષ્મ ચર્ચા કરતા નથી, પરંતુ તેના હૃદયની ભીતરમાં પડેલા સંસ્કારોમાં ધર્મ વણાયેલો હોય છે. તેઓ ક્યારેય ધર્મવિમુખ આચરણ કરતા દેખાતા નથી.
ધર્મનું સાચું સ્વરૂપ
૨૨૯