________________
સોફાસેટ, પલંગ, સજાવટનો સામાન, કાચનાં બાટ વગેરે ફર્નિચર વધારે છે. ઘણા લોકો એમ વિચારે છે કે દુનિયાદારીનાં બધાં કામ તો કરીએ જ છીએ, પરંતુ જો થોડીઘણી ધર્મક્રિયા નહીં કરીએ અને દેખાડવા ખાતર પણ જો થોડુંઘણું દાન નહીં આપીએ, કોઈ વ્રત-પ્રત્યાખ્યાન નહીં લઈએ, તો લોકો ટીકા કરશે, એટલે કંઈ ને કંઈ ધર્મઅનુષ્ઠાન કરી લે છે. સાચી ધર્મપરાયણ વ્યક્તિ ધર્મનો મર્મ બરાબર સમજતી હોય છે. જેની રગેરગમાં અને સંસ્કારોમાં ધર્મ ભળી ગયો છે, તે વ્યક્તિ ધર્મને ફર્નિચરની જેમ દેખાડવા કે ‘શો' માટે પાળતા નથી, તે તો અંતરથી જ ધર્મનું પાલન કરશે.
ભલે કોઈ જુએ કે ન જુએ, ભલે તે સમૂહમાં બેઠેલો હોય કે એકાંતમાં, ભલે તે દુકાનમાં હોય કે ઘરમાં કે ધર્મસ્થાનમાં હોય, દિવસ હોય કે રાત હોય, દરેક જગ્યાએ અને દરેક સમયે તેનું મન ધર્મમાં રત રહેશે. વળી તે એમ વિચારે છે કે લોક-વ્યવહારના કામની જવાબદારી પોતાના શિરે છે જ, તેથી તે મકાનમાં ફર્નિચર વસાવવાની જેમ કરવાં પડે છે, પરંતુ જો ધર્મરૂપી મકાન જ ન હોય તો માત્ર ફર્નિચરનું શું થશે ? તેને ક્યાં રાખીશું ? એટલે જ ધર્મનિષ્ઠ વ્યક્તિ સહજભાવથી ધર્મનું પાલન ક૨શે, બીજાને દેખાડવા માટે નહીં.
જેમ જળમાં વસતી માછલી બધાં કામ જળની અંદર રહીને જ કરે છે, તેની બહાર નહીં. જળની અંદર એ હરેફરે છે, કિંતુ જળની બહાર તે ડગલુંય ભરતી નથી, એ જ રીતે જેની રગેરગમાં ધર્મ વ્યાપ્ત હશે, એવી ધર્મભાવનાવાળી વ્યક્તિ ધર્મરૂપી જળની બહાર ક્યારેય ડગલું ભરશે નહીં. દરેક કાર્ય ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને ધર્મની લક્ષ્મણરેખામાં જ ક૨શે. માછલી માટે જળની બહાર નીકળવું અરુચિકર હોય છે, તેવી જ રીતે સાચા ધર્માત્મા માટે ધર્મભાવનાની બહાર નીકળવું અરુચિકર હોય છે. આથી જ ‘મહાભારત'માં ધર્મના જાણકારોએ કહ્યું છે
" न जातु कामात्र भयात्र लोभादू, धर्म त्यजेज्जीवितस्यापि हेतोः । धर्मो नित्यः सुखदुःखे त्वनित्ये, जीवो नित्यो हेतुरस्य त्वनित्यः ॥”
“કોઈ કામનાવશ, ભયવશ કે લોભવશ કદાપિ ધર્મ છોડવો નહીં અને પ્રાણના મોહમાં પડીને ધર્મને ત્યાગવો નહીં, કારણ કે ધર્મ નિત્ય છે અને સુખદુઃખ અનિત્ય છે. આત્મા નિત્ય છે અને શરીર (સુખદુઃખનો હેતુ) અનિત્ય છે.’’
૨૩૪
રત્નત્રયીનાં અજવાળાં