________________
જીવનસંદેશ “અત્યારે હજારો જૈને કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસો નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેનો દુઃખની- ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમની પાસે થોડાં-ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તો તેઓ વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તો દુઃખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેનો છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તો જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ)
બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીર સ્વામીની જય બોલે. વળી, જૈન શાસનની વૃદ્ધિને માટે જૈન વિશ્વવિદ્યાલય નામે એક સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનોનો વધારો થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુઃખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઇચ્છું છું.' (વિ. સં. ૨૦૦૯; મુંબઈ) --- -
“આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એક્તા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશો. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના આચાર તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વ મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” (વિ. સં. ૨૦૦૨; માલેરકોટલા).
- શ્રી વિજયવલ્લભસૂરિજી