________________
તેની માતાએ પૂછ્યું, “પુત્ર શું બન્યું હતું ?'' તને શા માટે દોરડાથી બાંધીને ભરબજારમાં ફેરવ્યો ?’’
સહસ્રમક્ષ બોલ્યો, “હું શહેરના પ્રસિદ્ધ ઝવેરીને ત્યાં ખાતર પાડીને ચોરી કરવા પેઠો, પણ તરત જ પકડાઈ ગયો. પછી તેણે આખા શહેરમાં ફેરવીને મને બેઆબરૂ કર્યો, તેથી મને રડવું આવે છે.''
સહસ્રમાની માતા પણ ધર્મકળાના મહત્ત્વથી અજાણ હતી. એ ઈચ્છતી હતી કે મારો પુત્ર ગમે તે પ્રકારે પણ ધન એકઠું કરીને લાવે અને અમે રાતોરાત ધનવાન થઈને મોજમજા કરીએ.
એણે ઉત્તેજન આપવાની દૃષ્ટિએ તેના પુત્રને કહ્યું, બેટા ! જે ચોરી કરે છે તે કદી રડતા નથી. ચોરી- કરીને રડવું એ તો પોતાની ચોર-કળાને બદનામ કરવા સમાન છે. આ બાબતમાં તને હું એક દૃષ્ટાંત આપીને સમજાવું ઃ
એક શેઠને ત્યાં ચોર ચોરી કરવા ગયો, પરંતુ ઘણું ફંફોળવા છતાં પણ તેને કશો માલ મળ્યો નહીં, તેથી તે શેઠના શયનખંડની દીવાલ પાછળ છુપાઈને શેઠ-શેઠાણીની વાતચીત સાંભળવા લાગ્યો, કદાચ એમના ધન વિષે જાણી શકે.
સંયોગવશ શેઠ પોતાના પુત્રને સમજાવી રહ્યા હતા, ‘બેટા ! આપણું અધિકાંશ ધન એક જગ્યાએ દાટી દેવું જોઈએ. હું સમજું છું કે શયનખંડની પાસેના ખાડામાં દાટવું જ યોગ્ય છે.''
પુત્ર પિતાની આજ્ઞા અનુસાર ખાડામાં ધન દાટી દે છે. ચોર આ બધું જોઈ-સાંભળી રહ્યો હતો. સવાર થવાની તૈયારી હતી.
ચોરે વિચાર્યું, ‘‘હવે ઝડપથી જઈને એ ધન ખોદી કાઢવું જોઈએ.’’
તે ત્યાં ગયો અને ધન કાઢવા માટે ખાડો ખોદવા લાગ્યો, પરંતુ ખડખડાટ સાંભળીને શેઠનો પુત્ર જાગી ગયો. તે તરત જ એ જગાએ દોડી ગયો. ચોરે જોયું કે શેઠનો પુત્ર આવી રહ્યો છે, ત્યારે તેણે તરત જ શ્વાસ ખેંચીને બંધ કરી દીધો અને મડદાની જેમ ચેતનહીન થઈને પડ્યો રહ્યો.
શેઠના પુત્રએ નજીક આવીને જોયું તો એ મૃતદેહ જોઈને ડરી ગયો. તેણે આવીને પોતાના પિતાને સઘળી વાતથી વાકેફ કર્યાં.
ધર્મકળામય જીવન
૨૧૩