________________
જીવનમાં એકલી શક્તિથી કોઈ કામ નથી ચાલતું. શક્તિની સાથે ભક્તિ ન હોય તો એ શક્તિ વિપરીત પરિણામ લાવે છે અને તેની સાથે સેવા ન હોય તો તે શક્તિ જીવનમાં સારી રીતે કામ કરતી નથી. તેનો વિસ્ફોટ થઈ જાય છે, એટલે જ શક્તિ, ભક્તિ અને સેવા એ ત્રિવેણીમાં જ જીવનની પરિપૂર્ણતા છે. અંજન, મંજન અને રંજન
જ્ઞાન શક્તિ છે, દર્શન ભક્તિ છે અને ચારિત્ર સેવા છે. એક અંજન છે, બીજું મંજન છે અને ત્રીજું રંજન છે. અંજન આંખોમાં અંજાય છે. ગુરુ જ્ઞાનરૂપી અંજન શિષ્યની આંખોમાં આંજે છે, તેથી જ્ઞાન અંજન છે. મંજન દાંત પર ઘસવામાં આવે છે અને તે દાંતને ચમકાવે છે. દર્શન મંજન છે, જે શંકા, ઈચ્છા વગેરે દોષોની મલિનતાને દૂર કરીને આત્માને ચમકાવે છે. આનંદ-પ્રમોદને રંજન કહેવામાં આવે છે.
ચારિત્ર રંજન છે. આત્મા જ્યારે નિજગુણમાં રમણ કરે અને આનંદ અનુભવે તે જ રંજન છે. જ્ઞાનરૂપી અંજન આત્માને પ્રકાશ આપે છે. દર્શનરૂપી મંજન આત્માની ચમક-દમક વધારે છે અને ચારિત્રરૂપી રંજન આત્માને આનંદની અનુભૂતિ કરાવે છે.
તાત્પર્ય એ કે આત્મા એ કોઈ હાથમાં પકડીને બતાવવાની અથવા મુઠ્ઠીમાં બંધ કરીને પકડી રાખવાની વસ્તુ નથી. આત્માને તેના નિજગુણોથી જ ઓળખી શકાય. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના નિજગુણ છે, એથી એવું નિઃસંકોચ કહી શકાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે નિજી ગુણોનો સમૂહ જ આત્મા છે અને જ્યારે આત્મા પોતાની સાચી સ્થિતિમાં ગુણમય થઈને પ્રતિષ્ઠિત થઈ જાય છે એટલે કે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય અને અનંત ચારિત્રમય બની જાય છે ત્યારે જ તેને મુક્તાત્મા માનવામાં આવે છે.
પોતાના જીવનમાં રત્નત્રયને સમ્યફ રૂપથી પ્રતિષ્ઠિત કરીને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો અવશ્ય સફળતા મળશે. વિલંબ ભલે થાય, અંધેર નહીં હોય.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ - સમય: વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ, વદ ૫
રત્નત્રયનો પ્રકાશ
૧૪.