________________
રહેશે. રાજાની ગમે તેટલી સેવાચાકરી કરવા છતાં પ્રજા પ્રજા જ રહે છે, રાજા બનતી નથી. નોકર શેઠની ગમે તેટલી સેવા કરે પણ તે કદી શેઠ બની શકતો નથી; શેઠ શેઠ જ રહે છે, નોકર નોકર જ રહે છે. આ જ રીતે આત્મા પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરે તે પરમાત્મા બનવામાં સર્વદા અને સર્વથા અસમર્થ છે. આ જ વિચારથી પ્રેરાઈને કેટલાંક દર્શનોએ ઈશ્વરને આત્માથી અલગ રાખ્યો છે. આત્મા અને પરમાત્મામાં જે ભિન્નતા છે તેને તેઓ સદાય અમિટ માને છે. તેમનું કહેવું છે કે પ્રજા રાજાની કક્ષાએ ક્યારેય પહોંચી શકતી નથી. પ્રજાનું કાર્ય તો રાજાના ગુણગાન ગાવાનું અને બે હાથ જોડીને તેની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો તેઓ રાજાની કક્ષાએ પહોંચી જશે તો રાજા શાસન કોની પર કરશે ? આ જ રીતે જો આત્મા પરમાત્માની કક્ષાએ પહોંચી જાય તો પરમાત્મા શાસન કોની પર કરશે ?
એટલે આત્મા આત્મા જ રહેશે અને પરમાત્મા પરમાત્મા. જીવ અને શિવ ક્યારેય એક નથી થઈ શકતા. વળી આવો મત ધરાવનારાઓનું કહેવું એમ છે કે જો આત્મા અને પરમાત્મામાં કશો ભેદ કે ભિન્નતા હોય નહીં અને બંને સમાન હોય, તો કોઈ પણ આત્માએ પરમાત્માની સેવાભક્તિ, ભજન-પૂજન કરવાં શા માટે ? નોકરને એમ કહેવામાં આવે કે તું નોકર નહીં, પણ શેઠ સમાન જ છે, તો તે નોકર અહંકારી બની જશે અને શેઠની સેવાચાકરી કરવાની અને જરૂર નહીં લાગે.
આ પ્રમાણે એક બીમારને વૈદ્ય એમ કહી દે કે તું બીમાર છે જ નહીં, હતો પણ નહીં અને થઈશ પણ નહીં. તું તો સદાકાળ નિરામય અને નીરોગી રહીશ, તો એ બીમાર વૈદ્યની દવા શા માટે લે ? અને પરહેજી શા માટે પાળે ?
આ વાતને સૂક્ષ્મતાથી વિચારીએ તો આ વિચારધારા એકાંતિક અને ભ્રાન્ત જણાશે. આત્મા અને પરમાત્માના પોતાના સ્વાભાવિક ગુણો પર ચિંતન કરતાં પ્રતીત થશે કે બંનેના વાસ્તવિક સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આત્માનો પોતાનો ગુણ ચેતના છે અર્થાત્ જ્ઞાન-દર્શન-રૂપ ઉપયોગ છે. પરમાત્માનું પણ આ જ લક્ષણ છે.
કેટલાક દાર્શનિકો પરમાત્માને “સચ્ચિદાનંદ' પણ કહે છે. સચ્ચિદાનંદ પદમાં ત્રણ ગુણોનો સમાવેશ થાય છે. સત એટલે કે સત્તા, ચિત્ત એટલે આત્મા અને પરમાત્મા
૬o