________________
આત્મા હોય, તો એ પંચભૂતોને આંખોથી જોનાર, એના અવાજને કાનથી સાંભળનાર, પંચભૂતોની ગંધને નાકથી સૂંઘનાર, એમના સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી અનુભવ કરનાર અને જીભથી પંચભૂતોના સ્વાદનો અનુભવ કરાવનાર કોણ છે ? જો આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયમાં પોતાનામાં જ આ બધો અનુભવ કરવાની શક્તિ હોય તો મૃત શરીરમાં રહેલી ઇંદ્રિયો આ અનુભવ-સંવેદન કેમ નથી કરી શકતી ?
આનાથી એ સિદ્ધ થાય છે કે એ પંચભૂતોનો અને ઇંદ્રિયોના વિષયોનો દ્રષ્ટા કે સંવેદનકર્તા કોઈ ભિન્ન તત્ત્વ છે. શરીર ખુદ એ બધી બાબતોનું કે ઇંદ્રિય-વિષયોનું દ્રષ્ટા કે સંવેદન અનુભવનાર હોય તો મૃત શરીર પણ અવશ્ય દ્રષ્ટા, જ્ઞાતા અને સંવેદન અનુભવનાર હોય, પરંતુ એમ તો થતું નથી. આથી અંતે એમ માનવું પડશે કે આ દૃશ્યોને જોનાર, જાણનાર અને સંવેદન અનુભવનાર અન્ય કોઈ તત્ત્વ છે અને તે આત્મા છે.
માંસ અને રક્ત જેવી રીતે જીભમાં છે, તેવી રીતે હાથમાં પણ છે. પાંચેય ભૂત જેવી રીતે જીભમાં છે તેવી રીતે હાથમાં પણ છે, તો પછી એવું ક્યું કારણ છે કે ખાટો, મીઠો વગેરે સ્વાદનો અનુભવ માત્ર એકલી જીભ જ કરે છે. હાથ કેમ નથી કરતા ? જ્યારે હાથ અને જીભ બંને શરીરના અવયવ છે અને બંનેમાં પંચમહાભૂત સમાન છે. આ ભિન્નતા એ બતાવે છે કે દેહથી ભિન્ન એવું બીજું કોઈ તત્ત્વ છે, જે આ બધાનું સંચાલન કરે છે. જો દેહ અને ઇંદ્રિયો જ એનું સંચાલન કરતી હોત, તો મૃતશરીર અને એ શરીર સાથે સંબંધિત ઇંદ્રિયો કેમ સંચાલન નથી કરતી ?
તમે અહીંયાં વ્યાખ્યાન સાંભળવા બેઠા છો, પરંતુ કાનમાં આંગળીઓ નાખીને અને આંખો વધુ પહોળી કરીને વ્યાખ્યાન સાંભળવા ઇચ્છો તો શું સાંભળી શકશો ? આંખો જોવાનું કામ કરે છે અને કાન સાંભળવાનું, પરંતુ આ વ્યવસ્થાને ઉલટાવી દેવામાં આવે તો ? એટલે કે આંખો બંધ કરીને કાન પાસે જોવાનું કામ કરાવવામાં આવે તો કોઈ વસ્તુ જોઈ શકાશે નહીં. એ રીતે જો કાનમાં આંગળીઓ નાખીને, આંખો પાસે સાંભળવાનું કામ લેવામાં આવે તો તમે સાંભળી નહીં શકો. જે ઇંદ્રિય જે કાર્ય માટે છે તે જ કાર્ય તેનાથી થઈ શકે છે, બીજું નહીં.
૮૬
રત્નત્રયીનાં અજવાળાં