________________
આમ તો આત્માનું તત્ત્વ ઘણું ગહન છે. વેદો અને જૈનશાસ્ત્રોમાં તેના સ્વરૂપનું નિષેધાત્મક રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે, કે આત્મા આ નથી, આત્મા આવો નથી વગેરે. પરંતુ અંતમાં તો તે અમૂર્ત વસ્તુનું શબ્દોથી વર્ણન કરીને પ્રત્યક્ષ અનુભવ નથી કરાવી શકતું તેથી તેમણે આત્મા અંગે ઘોષણા કરી – નેતિ નેતિ. (આ નથી, આ નથી.)
આપણું મન અને વાણી પણ આત્માનો પાર નથી પામી શકતાં. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે –
"आश्चर्यवत्यपश्यति कश्चिदेनमाश्चर्यवद् वदति तथैव चान्यः ।। आश्चर्यवज्जैनमन्यः श्रृणोति, श्रुत्वाऽच्येनं वेद न चैव कश्चित् ॥"
“આ ચિદાનંદ આત્માના બાહ્ય અને આંતરિક (અત્યંતર) સ્વરૂપને ઘણાં આશ્ચર્યની દૃષ્ટિએ જુએ છે. ઘણાં એ બાબતમાં વાણીથી આશ્ચર્ય પ્રગટ કરે છે. ઘણાં એનાં વર્ણનને આશ્ચર્યચકિત થઈને સાંભળે છે, પરંતુ સાંભળીને પણ એના સાચા સ્વરૂપને જ્ઞાની સિવાય કોઈ જાણી શક્યું નથી.”
આવા ગહન આત્મતત્ત્વને મારી બુદ્ધિ અને સંયમ અનુસાર સમજાવવા અને સિદ્ધ કરવા કોશિશ કરું છું.
સર્વપ્રથમ તો “આત્મા નથી' આ કથન જ આત્માને સિદ્ધ કરે છે, જેમ કે એક માણસને અંધકારમાં દોરડું સાપ જેવું લાગે છે. આ પ્રકારની ભ્રાંતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે આ જગતમાં સાપનું અસ્તિત્વ હોય. જો દુનિયામાં સાપનું ક્યાંય અસ્તિત્વ જ ન હોત તો સાપની ભ્રાંતિ થાય કેવી રીતે ? જેણે જળ જોયું છે, તે જ મૃગજળમાં જળની કલ્પના કરી શકે છે. જેણે કદી જળ જોયું જ ન હોય, એવી વ્યક્તિ મૃગજળમાં જળની કલ્પના કેવી રીતે કરી શકે ? એ જ રીતે “આત્મા નથી' એ કલ્પના પણ ત્યારે જ થઈ શકે, જ્યારે જગતમાં ક્યાંય ને ક્યાંય આત્માનું અસ્તિત્વ હોય. જો આત્માનું અસ્તિત્વ જ ન હોત, તો એનું નામ જ ક્યાંથી આવતી ? અને તેના નિષેધની આવશ્યકતા શા માટે ઊભી થાત ? પરિણામે આત્માનો નિષેધ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. આત્માના અસ્તિત્વના સ્વીકારનું બીજું કારણ એ છે કે જેટલાં
રત્નત્રયીનાં અજવાળાં
૯૨