________________
ફૂલાંબાઈની વાત
ઈશ્વર કેવી રીતે અને ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતા? આ વિષયને એક રોચક ઉદાહરણ આપીને સમજાવું છું.
ભગવાનસહાય નામના ઘનાટ્ય અને ધર્મપ્રેમી વ્યક્તિને ફૂલાંબાઈ નામની એકની એક પુત્રી હતી. ઈશ્વરભક્ત ભગવાનસહાયના ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી. ઘરના લોકો પ્રતિદિન એની સેવા-પૂજા કરતા હતા. તેમના ઘરમાં તેઓ, તેમનાં પત્ની, ચાર પુત્રો, ચાર પુત્રવધૂઓ, એક પુત્રી – એમ કુલ અગિયાર વ્યક્તિઓ હતી. ફૂલાંબાઈ એકની એક પુત્રી હોવાને કારણે પોતાનાં માતા-પિતાની ઘણી લાડકી હતી. ભાઈ-ભાભીઓ પણ તેને ભારે લાડથી રાખતાં હતાં.
અતિ લાડકોડને કારણે ફૂલાંબાઈનો સ્વભાવ દિવસે દિવસે લડાઈખોર, ક્રોધી અને ગુમાની થતો જતો હતો. રોજ શેઠને ફરિયાદ મળતી હતી કે તમે તમારી દીકરીને ઘણી મોંએ ચઢાવેલી છે. એ વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે, ઘમંડથી કોઈને અપશબ્દ કહી દે છે અને કોઈને તો થપ્પડ પણ મારે છે.
શેઠ કહેતા, “ભાઈ, શું કહીએ એને ? એક જ તો દીકરી છે.”
ફરિયાદ કરવા ગયેલા લોકો શેઠનું માન રાખતા હતા એટલે શાંત થઈ જતા.
ફૂલાંબાઈ એમ સમજતી હતી કે, “હું દરરોજ ઠાકુરજીની પૂજા કરું છું એટલે ઠાકુરજીની મારી પર કૃપા છે તેથી મને કોઈ કંઈ જ કહી શકતું નથી.”
સંયોગોવશાત શેઠને ઘેર એક દિવસ એક ગીતાપાઠી પંડિત આવી ચડ્યા. તેમણે ગીતાપાઠ કરતા સમયે એક શ્લોક કહી સંભળાવ્યો –
"सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज । ____ अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥" આનો સાચો ભાવાર્થ આમ થતો હતો કે –
“આત્મા સિવાય બધા (ઈન્દ્રિયો વગેરેના) ધર્મો(વિષયો)ને છોડીને તું એકમાત્ર મારી (પરમાત્માશુદ્ધ આત્માની) શરણમાં આવી જા. હું તને સર્વ પાપોથી મુક્ત કરાવીશ. તું ચિંતા ન કર.”
રત્નત્રયીનાં અજવાળાં