________________
સિધ્ધના આત્માઓ સ્વભાવમાં આવી ગયા છે. જગતને કેવલજ્ઞાનના પ્રકાશમાં જોયા કરે. પોતાના 'સ્વ'માં તેઓ લીન હોય તેથી તેઓ સદા આનંદમાં હોય.
'પર'ને ભોગવવામાં સુખનો અનુભવ વ્યવહારથી માને તે દારૂડિયા જેવું છે. આપણો પરમ ભાગ્યોદય છે કે પરમાત્માનું શાસન મળી ગયું છે. આલંબન જોરદાર છે હવે ફક્ત શ્રધ્ધા–રુચિ અને પુરુષાર્થમાં જ કચાશ છે. 'સ્વ' અને 'પર'નો ભેદ કરવા નવતત્ત્વ ભણવાનું છે.
સૌથી વધારે સુખ સિધ્ધાવસ્થામાં છે, સિધ્ધશિલામાં નહીં. કારણ કે સિધ્ધશિલા પર પણ નિગોદના જીવો તેમ જ પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો રહેલા છે. ૧૪ રાજલોકમાં એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં આપણો આત્મા ન જઈ આવ્યો હોય. આપણા જીવે સુખ દુ:ખનો અનુભવ ન કર્યો હોય તેવી એક પણ જગ્યા નથી.
શરીરના સુખ દુઃખ કર્મથી પ્રાપ્ત થાય. આત્મામાં સુખ કે દુઃખ નથી. આત્મા ફક્ત પરમાનંદના સ્વભાવવાળો છે.
કનકવતીને ભવસ્થિતિની વિચારણા કરતાં કેવલજ્ઞાન
જો ભૂતકાલીન નિગોદના દુઃખો યાદ કરીએ તો અત્યારના દુઃખો દુઃખ તરીકે લાગે જ નહીં. ભૂતકાળના એકેંદ્રિયપણાના દુઃખોનો વિચાર કરી વસુદેવની પત્ની કનકવતીને કેવલજ્ઞાન થયેલ. વસુદેવને ૭૨,૦૦૦ પત્નીઓ હતી. તેમાં મુખ્ય કનકવતી હતી. તેના જન્મ વખતે દેવોએ સુવર્ણની વૃષ્ટિ કરેલ. લગ્ન વખતે કુબેર દેવ હાજર રહેલ. આવી કનકવતી પોતાના એકેંદ્રિયપણાની ભવસ્થિતિથી વિચારણા કરે છે અને વિચારતાં વિચારતાં સંસારમાં હતી તો પણ કેવલજ્ઞાન મળ્યું.
ભૂતકાળમાં આપણા આત્માએ જે કષ્ટો સહન કર્યાં છે તે સાંભળતાં— સાંભળતાં ભવનિર્વેદ થઈ જાય.
સ્વાત્મામાં પર દયા આવે માટે શું વિચારવું ?
પોતાના જીવ પર આસ્તિકય આવે તો પોતાની જાત પર અનુકંપા આવે.
નવતત્ત્વ / ૫૫