________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કાળમાં બાંધેલાં કર્મ એક કાળમાં ઉદય આવે છે, માટે જેમ જેણે પૂર્વે ઘણા ધનનો સંચય કર્યો હોય તેને તો કમાયા સિવાય પણ ધન જોવામાં આવે છે–દેવું દેખાતું નથી, પરંતુ જેને પૂર્વનું ઘણું ઋણ હોય તેને ધન કમાવા છતાં પણ દેણદાર દેખવામાં આવે છે ધન દેખાતું નથી. પરંતુ વિચાર કરતાં કમાવું એ ધન થવાનું જ કારણ છે પણ ઋણનું કારણ નથી. તે પ્રમાણે જ પૂર્વે જેણે ઘણું પુણ્ય બાંધ્યું હોય તેને અહીં એવાં મંગળ કર્યા વિના પણ સુખ જોવામાં આવે છે, પાપનો ઉદય દેખાતો નથી. વળી જેણે પૂર્વે ઘણું પાપ બાંધ્યું હોય તેને અહીં એવા મંગળ કરવા છતાં પણ સુખ દેખાતું નથી. પાપનો ઉદય દેખાય છે. પરંતુ વિચાર કરતાં એવાં મંગળ તો સુખનું જ કારણ છે પણ પાપ-ઉદયનું કારણ નથી. એ પ્રમાણે પૂર્વોક્ત મંગળમાં મંગળપણું બને છે.
પ્રશ્ન- એ વાત સાચી, પરંતુ જિનશાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવાં મંગળ કરવાવાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો તેનું શું કારણ?
ઉત્તર- જીવોને સુખ-દુ:ખ થવાનું પ્રબળ કારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે માટે પાપનો જેને ઉદય હોય તેને એવી સહાયતાનું નિમિત્ત બનતું નથી તથા જેને પુણ્યનો ઉદય હોય તેને દંડનું નિમિત્ત બનતું નથી. એ નિમિત્ત કેવી રીતે ન બને તે કહીએ છીએ:
દેવાદિક છે તેઓ ક્ષયોપશમજ્ઞાનથી સર્વને યુગપત્ જાણી શક્તા નથી તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે માટે જો તેને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ તે કેવી રીતે કરી શકે ? તથા જાણપણું હોય તે વેળા પોતાનામાં જ અતિ મંદ કષાય હોય તો તેને સહાય વા દંડ દેવાના પરિણામ જ થતા નથી અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો નથી. વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું નિમિત્ત બનતું નથી. પોતાની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદકષાયના ઉદયથી તેવા જ પરિણામ થાય તે સમયમાં અન્ય જીવોના ધર્મ-અધર્મરૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. અહીં આટલું સમજવા યોગ્ય છે કે-સુખ થવાની વા દુઃખ થવાની, સહાય કરાવવાની વા દુઃખ અપાવવાની જે ઇચ્છા છે તે કષાયમય છે, તત્કાલમાં વા ભાવિમાં દુઃખદાયક છે. માટે એવી ઇચ્છા છોડી અમે તો એક વીતરાગ વિશેષજ્ઞાન થવાનો અર્થી બની શ્રીઅરિહંતાદિકને નમસ્કારાદિરૂપ મંગળ કર્યું છે. એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષમાર્ગ પ્રકાશક' નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. ત્યાં “આ ગ્રંથ પ્રમાણ છે' એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com