________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૦
ભટ્ટજી કહે, હવે બાળક સામે ન જુઓ. જે કામ કરવાનું છે તે જલદી કરો. બાળકને હોમની અગ્નિજવાળામાં હોમી દો"
અમરકુમારને ચોખ્ખા પાણીથી નવરાવી, કેસર-ચંદન તેના શરીરે લગાવી, કુલમાળા પહેરાવી અગ્નિજવાળામાં હોમી દીધો.
આ વખતે અમરકુમારે જે નવકાર મંત્ર શીખેલો તે એક જ આધાર છે એમ સમજી તેનું ધ્યાન ધરવા માંડ્યું હતું. નવપદનું ધ્યાન ધરતાં ધરતાં અગ્નિજવાળા શમી ગઈ અને સિંહાસન ઉપર દેવોએ આવી તેમને બેસાડ્યા અને દેવોએ રાજાને ઊંધો નાખી દીધો આથી રાજાના મોંએથી લોહી વહેવા લાગ્યું.
આવું અચરજ થવાથી ત્યાંની રાજસભા અને બ્રાહ્મણ પંડિતો વગેરેએ અમરકુમારને મહાત્મા સમજી તેના પગની પૂજા કરવા લાગ્યા અને રાજાજીને શુદ્ધિમાં લાવવા કુમારને વિનંતી કરી. અમરકુમારે નવકારથી પાણી મંત્રી રાજાજી ઉપર છાંટયું અને શ્રેણિક રાજા આળસ મરડી બેઠા થયા. ગામ લોકો કહેવા માંડ્યા કે બાળહત્યાના પાપે રાજાજીને આ સજા મળી. - શ્રેણિક મહારાજા ઊભા થઈ કુમારની આ સિદ્ધિ જોઈ પોતાનું રાજ્ય આપવા કહ્યું, અમરકુમારે કહ્યું. રાજ્યનું મારે કોઈ કામ નથી. મારે તો સંયમ લઈ સાધુ થવું છે.
લોકોએ અમરકુમારનો જ્યકાર કર્યો. ધર્મધ્યાનમાં લીન થતાં ત્યાં જ - અમરકુમારને જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યું અને પંચ મુષ્ટિથી લોચ કરી, સંયમ ગ્રહણ કર્યું, અને ગામ બહાર સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા.
માતાપિતાએ આ વાત સાંભળી ને મનથી વિચાર્યું કે, રાજાજી આવીને આ આપેલ સોનૈયા પાછા લઈ લેશે એથી કેટલુંક ધન માંહો માંહે વહેંચી લીધું અને કેટલુંક ધન ધરતીમાં દાટી દીધું.
પૂર્વભવના વેરને લીધે અમરની મા રાત્રે ઊંઘ ન આવવાથી શસ્ત્ર લઈ અમરકુમાર ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવી શસ્ત્રથી અમરકુમારની હત્યા કરી નાખી
શુકલધ્યાનમાં રહી અમરકુમાર કાળ કરી બારમા સ્વર્ગલોકમાં અવતર્યા, ત્યાંથી બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લઈ કેવળજ્ઞાન પામશે.
માતા અમરની હત્યા કરી હરખાતી હરખાતી જતી હતી ત્યાં રસ્તામાં વાઘણ મળી. વાઘણે ભદ્રા માતાને ફાડી ખાધી તે મરીને છઠ્ઠી નરકે ગઈ, ત્યાં તેણે બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવવાનું છે.