________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૪૫
કે, સત્યવાદી અને પૂર્ણ ન્યાયી રાજા શ્રેણિકની પૂજા કરું છું. એમ કહી શ્રેણિકની છબી તેણે બતાવી. છબી જોઈ તે મોહિત થઈ ગઈ અને તે લઈ જઈ સુજયેષ્ઠાને બતાવી. સુજયેષ્ઠા પણ દેખતાં વેંત જ મોહી ગઈ. તેણીએ અભયકુમારને કહેવડાવ્યું કે, ખચીત મારે મારા બાપથી છાનું શ્રેણિક સાથે લગ્ન કરવું છે. તેમાં તું સહાયક થા. અભયકુમારે નેણીની મરજી જોઈ રાજગૃહીથી તેણીના મહેલ સુધી ધરતીમાં સુરંગ બનાવરાવી, અને પેલી દાસી મારફત તેણીને જણાવ્યું કે, અમુક દિવસે શ્રેણિક રાજા પોતે તને સુરંગ રસ્તે બોલાવવા આવશે. શ્રેણિકને પણ તેમ જણાવ્યું, નક્કી કરેલ દિવસે શ્રેણિક પોતાના ચુનંદા બત્રીસ આમ પુરુષો (સુલસાના પુત્રો)ને લઈ સુરંગ રસ્તે આવ્યો. સુજયેષ્ઠા જ્યારે ત્યાંથી રવાના થવા લાગી ત્યારે તેની નાની બહેન ચેલણાએ પણ શ્રેણિક સાથે જ લગ્ન કરવાની જીદ કરી, તે પણ સુજ્યેષ્ઠા સાથે જ સુરંગમાં આવી. કેટલોક માર્ગ વટાવ્યા પછી સુજ્યેષ્ઠાને ત્યારે યાદ આવવાથી બોલી કે, મારાં આભૂષણનો ડબો ભૂલી આવી છું તે હું પાછા જઈ લઈ આવું, ત્યાં લગી તમારે અહીંથી આગળ વધવું નહીં. એમ કહી તે પાછી ફરી. પણ ચેલણાએ તો તરત જ શ્રેણિકને કહ્યું કે, મહારાજ, શત્રુની હદમાં વધારે વખત રહેવું એ બહુ જોખમ ભરેલું છે. એમ સમજાવી તેની સાથે ચાલી નીકળી. સુજયેષ્ઠા આભૂષણો લઈ ત્યાં આવી ત્યારે શ્રેણિકને કે ચેલણાને જોયાં નહીં, તેથી તેઓ ઉપર કોપાયમાન થઈ ત્યાંથી પાછી ફરી પોતાના મહેલ ઉપર આવી અને બૂમો મારવા લાગી, “અરે ! આ કોઈ દુષ્ટ મારી બહેન ચેલણાને ઉપાડી જાય છે. હરણ કરી જાય છે.” આ સાંભળી સૈનિકો અને રાજા ત્યાં આવી પહોંચ્યા; રાજાના હુકમથી સૈનિકો સુરંગ માર્ગે થઈ શ્રેણિક સાથે યુદ્ધ કરવા દોડયા. તે વખતે શ્રેણિકના તરફથી સુલસાના બત્રીસ પુત્રો સામા થઈ તે સૈનિકો સામે યુદ્ધ કરવા લાગ્યા. આ વખત દરમ્યાન શ્રેણિક ચેલણાને લઈ ઘણો આગળ જતો રહ્યો અને પોતાના નગરે જઈ તરત જ તેણીની સાથે લગ્ન કરી લીધું. અહીંયાં સંગ્રામમાં સુલસાના બત્રીસે પુત્રો એકી વખતે માર્યા ગયા. આ ખબર સાંભળી સુલસા અત્યંત દુ:ખ કરવા લાગી ત્યારે અભયકુમારે તેણીને સમજાવી કે, સમતિધારી થઈ તું આમ અવિવેકીની પેઠે શું શોક કરે છે, અને આ શરીર તો ક્ષણિક છે માટે શોક કરવાથી શું થાય ? આવી રીતે ધાર્મિક રીતે દિલાસો આપી સુલસાને શાંત કરી.
એક વખત ચંપાનગરથી અંબડ પરિવ્રાજક (સંન્યાસીનો વેષધારી એક શ્રાવક) રાજગૃહી નગરે જવા તૈયાર થયો. ત્યારે તેણે શ્રી મહાવીર સ્વામીને વંદના કરી અરજ કરી કે, સ્વામી, આજે હું રાજગૃહી જાઉં છું. ભગવંતે કહ્યું કે, “ત્યાં સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ કેજો” તથાસ્તુ કહી તે ત્યાંથી નીકળી રાજગૃહી નગરે આવી પહોંચ્યો.
૧૦