________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૯
મુનિ હતો ત્યારે આપે મારા આગ્રહથી લોઢાના ટુકડાને સોનાનો ટુકડો કરી બતાવ્યો હતો. કૃપા કરીને આ કુમારપાળને એ સુવર્ણ સિદ્ધિ આપો. એવી મારી વિનંતી છે."
શાંતિથી વાત સાંભળ્યા પછી ગુરુદેવે કુમારપાળને કહ્યું, “રાજન ! તારી પાસે હિંસાનું નિવારણ અને જિન મંદિરોનું સર્જન આ બે શ્રેષ્ઠ સુવર્ણ સિદ્ધિ તને મળેલી છે." કુમારપાળ ગદ્ગદ થઈ ગયા અને ગુરુના ચરણમાં માથું નમાવી વંદના કરી.
હેમચંદ્રાચાર્ય સામે જોઈ ગુરજીએ કહ્યું, "કુમારપાળના ભાગ્યમાં નથી એટલે રાજાને કે તને એ સિદ્ધિ નહીં આપું. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ મનુષ્ય પાસે ટકતી નથી”
આમ કહી દેવચંદ્રસૂરી ઊભા થઈ ગયા અને હેમચંદ્રાચાર્યને કહ્યું, “આવાં કામ માટે મને અહીં ના બોલાવીશ. મારી આત્મસાધના ડહોળાય છે અને ગુરુદેવ ખંભાત તરફ વિહાર કરી ગયા.
શ્રી હેમચંદ્રાચાર્યને પોતાનો અંત સમય નજીક દેખાતો હતો. તેમણે ભાવિકોને બોલાવ્યા. સહુ સંઘ સાથે ક્ષમાપના કરી - સહુને અંતિમ ધર્મોપદેશ આપ્યો.
કુમારપાળ પણ આવી પહોંચ્યા હતા. તેમણે ગુરુદેવને વંદના કરી કહ્યું, ગુરુદેવ! આપ વિના મને કોણ ધર્મ પમાડશે ! હેમચંદ્રાચાર્યે કહ્યું, “વત્સ ! થોડા વખત પછી તારું પણ અવસાન થશે. પણ તું ધર્મ પામ્યો જ છે. ત્રીજા ભવે તું તો મોક્ષે જઈશ.'
ગુરુદેવ હેમચંદ્રસૂરિ આંખો બંધ કરી, પદ્માસન ઉપર બેસી ગયા. પરમાત્મા ધ્યાનમાં નિમગ્ન થયા અને થોડા વખતમાં તેમણે પ્રાણત્યાગ કર્યો.
કુમારપાળને આ શોકના સમયમાં પણ આનંદ લહરી તેમના મનમાં પ્રસરી ગઈ. ત્રીજા ભવે પોતાનો મોક્ષ જાણી આનંદથી નાચી ઊઠ્યા.
આખીય દુનિયા ભલે તમને સોને મઢયું માનપત્ર આપે: પરંતુ, જ્યારે તમારું દિલ સાચું સર્ટીફિકેટ આપે ત્યારે જ સંતોષ માનજો.
:
".
- - "અમૃતબિંદુ સવિચાર