________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૩
| મહારાજા શ્રેણિક "
||૧૦૬.
ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. શરૂ શરૂમાં જ્ઞાન ન હોવાના કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા આવતી.
એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે. હરણી પણ દોડી રહી છે. બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડ્યું . તીર હરણીના પેટમાં ખૂંપી ગયું. તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઈ.
શ્રેણિક ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યો. જોઈને એ ખૂબ જ ખુશ થયો. ગર્વથી બોલ્યો, 'મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયાં ! હરણી અને તેનું બચ્ચું પણ ! શિકાર આને કહેવાય. શ્રેણિકનો આનંદ સમાતો નથી, હર્ષથી તે ઝૂમી ઊઠ્યો અને શ્રેણિક રાજાએ ત્રીજી નરક ગતિનું કર્મ બાંધી દીધું."
ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા. ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, શ્રેણિક ! મરીને તું ત્રીજી નરકે જઈશ." શ્રેણિક ગભરાયા. તે બોલ્યા : 'પ્રભુ ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ ? ભગવાને કહ્યું કે, 'શ્રેણિક ! તેં શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો. આથી તારું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી"
હે રાજન ! આ નરકની વેદના તારે ભોગવવાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનાભ નામે પહેલો તીર્થંકર થઈશ." શ્રેણિક બોલ્યો કે, હે નાથ ! એવો કોઈ ઉપાય છે કે જેથી અંધકૂપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય ?"