________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૩૨૦
ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી અને ગૌતમ સ્વામીને પ્રણામ કર્યા પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પર્મદામાં ચાલ્યા, ત્યારે ગૌતમે કહ્યું કે, 'પ્રભુને વંદના કરો.' પ્રભુ બોલ્યા કે 'ગૌતમ ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તે પાંચેને ખમાવ્યા.
પછી ગૌતમ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય ? શું હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉં ? આવો વિચાર કરતા કરતા તેમને પ્રભુએ દેશનામાં એક વાર કહેલ કે, "જે અષ્ટાપદ ઉપર પોતાની લબ્ધિ વડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રી ત્યાં રહે, તે તે જ ભવમાં સિદ્ધિને પામે." તે સંભારતાં તત્કાળ ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબોનાં દર્શન માટે ત્યાં જવાની ઇચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસોને પ્રતિબોધ થવાનો છે તે જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીર્થ તીર્થંકરોને વાંદવા જવાની આજ્ઞા આપી. આથી ગૌતમ ઘણા જ હરખાયા અને ચરણલબ્ધિથી વાયુ જેવા વેગ વડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વગેરે પંદરસો તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષનો હેતુ સાંભળી, તે ગિરિ ઉપર ચડવા આવ્યા હતા તેમાં પાંચસો તપસ્વીઓએ ચતુર્થ તપ કરી આર્દ્રકંદાદિનું પારણું કરવા છતાં અષ્ટાપદની પહેલા પગથિયા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસો છઠ્ઠ તપ કરી સૂકાં કંદાદિનું પારણું કરી બીજા પગથિયા સુધી આવ્યા હતા. ત્રીજા પાંચસો તાપસો અઠ્ઠમનું તપ કરી સૂકી સેવાલનું પારણું કરી ત્રીજા પગથિયા સુધી આવ્યા હતા. ત્યાંથી ઊંચે ચડવાને અશક્ત હતા. તે ત્રણે સમૂહ પહેલા, બીજા ને ત્રીજા પગથિયે અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈને તેઓ આપસમાં વાત કરવા લાગ્યા કે આપણે દૃશ થઈ ગયા છીએ, તથાપિ અહીંથી આગળ ચડી શકતા નથી, તો આ સ્થૂળ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે ? આ રીતે તેઓ વાતચીત કરે છે, તેવામાં તો ગૌતમ સ્વામી સૂર્યકિરણનું આલંબન લઈને તે મહાગિરિ પર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદૃશ્ય થઈ ગયા. પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કોઈ મહા શક્તિ છે, તેથી જો તેઓ અહીં પાછા આવશે તો આપણે તેમના શિષ્યો થઈશું.' આવો નિશ્ચય કરી તે તાપસો એક ધ્યાને તેમની પાછા આવવાની રાહ જોવા લાગ્યા.
અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થંકરોનાં અનુપમ બિંબોને તેમણે ભક્તિથી વંદના કરી. પછી ચૈત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મોટા અશોકવૃક્ષ નીચે બેઠા.