________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૬૯
કહ્યું કે, હવે તમે મને જે માર્ગ બતાવશો તે માર્ગે જઈશ. આ પ્રમાણે વિરુદ્ધ વચનો સાંભળી તે ભીલ તેને ગાંડો અને અડધો બહેરો ધારી નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો.
ત્યાંથી રાજા આગળ ચાલ્યો તેવામાં એક સાધુ તેના જોવામાં આવ્યો. તેને નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલ્યો ત્યાં હાથમાં શસ્ત્રધારણ કરનાર બે ભીલ રાજાને સામા મળ્યા. તેઓએ રાજાને પૂછ્યું કે, "અરે પાર્થ ! અમારા સ્વામી ચોરી કરવા જતા હતા, ત્યાં વચમાં એક સાધુ સામો મળ્યો; તેથી અપશુકન થયા જાણી અમારા સ્વામી પાછા વળ્યા અને અમને તે સાધુને મારવા મોકલ્યા છે તો તે સાધુ તારા જોવામાં આવ્યો હોય તો બતાવ.” રાજાએ તે વખતે અસત્ય પણ સત્ય જેવું છે એમ માનીને બોલ્યો કે, “તે સાધુ ડાબે માર્ગે જાય છે પણ તમને મળશે નહીં. કારણ કે અતિ ઝડપે જાય છે.” આવો ઉત્તર સાંભળી તે બંને પાછા ચાલ્યા ગયા. પછી રાજા સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરીને રાત્રે સૂવા માટે તૈયારી કરતો હતો. તેવામાં કાંઈક કોલાહલ તેના સાંભળવામાં આવ્યો. તેમાં તેણે એવા શબ્દો સાંભળ્યા કે "આપણે ત્રીજે દિવસે સંઘને લુંટીશું. તે સાંભળી રાજા ચિંતાતુર બન્યો. ક્ષણ વાર થઈ તેવામાં તો કેટલાક સુભટોએ આવીને પૂછ્યું કે 'અરે ! તેં ક્યાંય ચોરને જોયા ? અમે ગોધીપુરના રાજાના સેવકો છીએ. અને તે રાજાએ સંધની રક્ષા કરવાને માટે અમને મોકલ્યા છે.’તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, જો હું ચોરોને બતાવીશ તો આ રાજસેવકો અવશ્ય તેને મારી નાખશે અને નહીં બતાવું તો ચોર લોકો સંધને લૂંટી લેશે. હવે અહીં મારે શું બોલવું યુક્ત છે.’પછી જરા વિચારીને રાજા બોલ્યો કે, મેં ચોરને જોયા નથી પણ તમારે કોઈ ઠેકાણે શોધી લેવા અથવા તેમને શોધવાની શી જરૂર છે ? તમે સંઘની સાથે રહીને તેની રક્ષા કરો. આવો ઉત્તર સાંભળી તેઓ ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુભટો સાથે થયેલી વાતને સાંભળવા તે ચોરો રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, 'અરે ભદ્ર ! તેં અમારા પ્રાણ બચાવ્યા, તેથી હવે અમે ચોરી કે હિંસા નહીં કરીએ. તેનો લાભ તને પ્રાપ્ત થાઓ. તે પ્રમાણે કહી ચોર પોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
ત્યાંથી રાજા આગળ ચાલ્યો. તેવામાં કેટલાક ઘોડેસ્વારોએ આવીને પૂછ્યું કે, 'અરે પાંથ ! અમારા શત્રુ હંસરાજાને તેં કોઈ ઠેકાણે જોયો છે ? એ અમારો કટ્ટો શત્રુ છે. તેથી અમારે તેનો વિનાશ કરવો છે.' રાજા હંસ અસત્ય ન જ બોલવું એવા નિશ્ચયથી બોલ્યો કે, હું પોતે જ હંસ છું' આ સાંભળી તેઓએ ક્રેધથી રાજાના મસ્તક ઉપર ખડ્ગનો પ્રહાર કર્યો, પરંતુ તે જ વખતે ખડ્ગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ એક યક્ષ પ્રત્યક્ષ થઈ બોલ્યો કે, હે સત્યવાદી રાજા ! તમે ચિરકાળ જય પામો. હે નૃપ ! તમને આજે જ જિનયાત્રા કરાવું, માટે તમે આ વિમાનને અલંકૃત કરો. યક્ષનાં આવા વચન સાંભળી યાત્રા પૂરી કરી. યક્ષના સાંનિધ્યથી શત્રુને જીતી રાજ્ય ભોગવી અનુક્રમે દીક્ષા લઈને સ્વર્ગે ગયો.