________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૬
“હા, ગમે છે, હું ગુરુદેવ સાથે રહીશ, તેમની પાસે ભણીશ. તે જેમ કહેશે તેમ
કરીશ.”
ચાચિંગ શેઠે પાહિની દેવી સાથે પણ ચર્ચા કરી. પાહિનીએ પોતાની અનુમતિ
આપી.
અને ચંગદેવને ચાચિંગ શેઠે ગુરુદેવને સોંપ્યો.
માતા પાસે આચાર્ય પુત્રની ફરીથી માગણી કરે છે તે વખતે ચારિંગ ઘેર હોતો નથી બહાર ફેરી કરવા ગયો હોય છે. ક્ષણ વાર માતા ખચકાય છે પણ પછી શુભ ભાવિને ધ્યાનમાં લઈ પુત્રને અર્પણ કરી દે છે અને આચાર્ય તેને લઈને વિહાર કરી ખંભાત જાય છે. આ બાજુ ધંધૂકામાં ચારિંગ ઘેર આવે છે. એને ખબર પડે છે કે ચાંગદેવને આચાર્ય લઈ ગયા છે તેથી તેને પાછો લઈ આવવા ખંભાત જાય છે - ત્યાં ઉદ્દયન મંત્રી અને આચાર્યની સમજાવટથી તે પુત્ર અર્પણ કરીને પાછો આવે છે.
.
ગુરુદેવ દેવચંદ્રસૂરીજી ચાંગદેવને લઈ ધંધુકાથી વિહાર કરી ખંભાત પધાર્યા. ગુરુદેવે ચાંગદેવને ભણાવવા માંડ્યું. તેનો વિનય અને બુદ્ધિ જોઈ, ગુરુદેવને ખાત્રી થઈ કે આ છોકરો જલદી વિદ્વાન બનશે. બધાં શાસ્ત્રો ભણી લેશે.
એક દિવસ ગુરુદેવે ગુજરાતના મહામંત્રી ઉદયનને પોતાની પાસે બોલાવી ચાંગદેવ અંગે વાતો કરી. તેમને જૈન ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. તેમણે ચાંગદેવની દીક્ષાનો બધો ખર્ચ અને મહોત્સવ કરવા રાજીથી હા કહી અને મહા સુદિ ચૌદશના દિવસે મોટા ઉત્સવપૂર્વક ચાંગદેવને દિક્ષા આપી, તેમનું નામ સોમચંદ્ર સૂરીશ્વર મુનિ રાખ્યું.
આચાર્ય દેવ શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી પોતે સોમચંદ્ર મુનિને ભણાવે છે, સાધુજીવનના આચાર-વિચારો શિખવાડે છે. સોમચંદ્રમુનિ ભણેલું યાદ રાખે છે. ગુરુ મહારાજનો વિનય કરે છે.
સોમચંદ્રમુનિ ગુરુ મહારાજ પાસે મહાન જ્ઞાની પુરુષોનાં જીવનચરિત્ર સાંભળે છે. તેમને ચૌદ પૂર્વનાં નામ અને તે શાસ્ત્રોના વિષયો સંક્ષેપમાં સમજાવે છે.
આ રીતે જ્ઞાન ઉપાર્જન કરતાં સોમચંદ્ર મુનિના મનમાં વિચારો આવતા કે હું આવો જ્ઞાની ન બની શકું ? મારે આવા જ્ઞાની બનવું હોય તો મારે માતા સરસ્વતી દેવીની ઉપાસના કરવી જોઈએ. આ માટે મારે સરસ્વતીદેવીની મૂળ પીઠ જે કાશ્મીરમાં છે ત્યાં જઈ તેમની ઉપાસના કરવી જોઈએ. આમ વિચારતાં તેમણે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની ઉપાસના કરવા જવા ગુરુદેવની આજ્ઞા માગી અને પ્રેમથી ગુરુદેવે તેમને કાશ્મીર જવા આશીર્વાદ સાથે રજા આપી.