________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૨
રાજાએ હાથી ઊભો રખાવ્યો. નીચે ઊતરી કંઈક સંભળાવવા વિનંતી કરી. આચાર્યે નીચે પ્રમાણે કહ્યું :
સિદ્ધરાજ, તમે ગજને કેમ થોભાવ્યો ? એને એકદમ વેગથી આગળ ચલાવો કે જેથી એને જોઈને સર્વે દિગ્ગજો ત્રાસ પામીને જતા રહે કેમ કે હવે પૃથ્વીનો ભાર તમે ઉપાડ્યો છે, એ દિગ્ગજોની શી જરૂર છે ?
રાજા આ સાંભળી ખૂબ જ આનંદિત થયો. શીઘ્ર કાવ્યરચના અને આચાર્યદેવની કલ્પના શક્તિ તેમને અસર કરી ગઈ. રાજાએ કહ્યું, 'ગુરુદેવ મારા પર કૃપા કરી પ્રતિદિન આપ રાજસભામાં પધારો.
રાજન્, અનુકૂળતા મુજબ તમારી પાસે આવવાનું ગોઠવીશ.' ફરીથી ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપી આચાર્યશ્રી આગળ ચાલ્યા.
આ હતી સિદ્ધરાજ સાથેની શ્રી હેમચંદ્રાચાર્યની પહેલી મુલાકાત.
ત્યાર પછી અવારનવાર આચાર્યશ્રી રાજસભામાં જવા લાગ્યા. તેમની મધુર અને પ્રભાવશાળી વાણીની રાજા ઉપર ધારી અસર પડવા લાગી અને રાજા જૈન ધર્મ તરફ આકર્ષાયો.
રાજા માળવા દેશના રાજાનો પરાજય કરી પાટણમાં પ્રવેશ કરવાનો હતો. માત્ર તેણે માળવાનું રાજય જ ગમતું હતું એમ ન હતું; તેને માળવાની કલા, સાહિત્ય, અને સંસ્કારો પણ ગમી ગયાં હતાં. આ બધું તેને ગુજરાતમાં લાવવું હતું. માળવાની ધારા નગરીથી વિશાળ જ્ઞાનભંડાર ગાડાં ભરીને તે પાટણમાં લાવ્યો, તેમાંથી એક રાજા ભોજે લખેલ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ' તેના હાથમાં આવ્યો. આ ગ્રંથ જોઈ તેને વિચાર આવ્યો કે, 'આવો ગ્રંથ ગુજરાતનો કોઈ વિદ્રાન ન બનાવી શકે ?' ગ્રંથ સાથે મારું નામ જોડાય તો ગ્રંથ અને હું બંને અમર થઈ જઈએ.
રાજસભામાં જ રાજાએ સરસ્વતી કંઠાભરણનો એ ગ્રંથ હાથમાં લઈ રાજસભામાં બેઠેલા વિદ્વાનોને ઉદ્દેશીને કહ્યું, 'આવું રાજા ભોજે રચેલ વ્યાકરણ જેવું શાસ્ત્ર કોઈ ગુજરાતનો વિદ્રાન ન રચી શકે ? આવો કોઈ વિદ્વાન વિશાળ ગુજરાતમાં જન્મ્યો નથી ?
રાજાની તથા હેમચંદ્રસૂરીજીની આંખો મળી !
"હું રાજા ભોજના વ્યાકરણ કરતાં સવાયા વ્યાકરણની રચના કરીશ.” હેમચંદ્રસૂરીજીએ આહ્વાન સ્વીકારી લીધું.