________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૯
થયા પણ કોશા મુનિ પાસે જતી નથી. એટલે છેવટે મુનિએ તેને બોલાવવા માંડી. મધ્યાહન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણ વારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી, ત્યારે કોશાએ તેને કહ્યું કે, “હે સ્વામી ! અમે વેશ્યાઓ ઇન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી” ત્યારે મુનિ બોલ્યા કે, મને કામવરથી પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું જ્યાં બતાવીશ ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ !"
તે સાંભળી તેને બોધ કરવા માટે કોશાએ તેને કહ્યું કે, "નેપાલ દેશનો રાજા નવીન સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો." તે સાંભળી અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ ભણી ચાલ્યા. ત્યાં જઈ રાજા પાસેથી રત્નકંબલ મેળવી કોશાનું ધ્યાન ધરતા તે મુનિ તરત પાછા ફર્યા. રસ્તામાં ચાર લોકો મળ્યા તેનાથી મહા મુશ્કેલીથી દીનતા કરીને કંબલ બચાવીને કોશા પાસે આવી પહોંચ્યા અને મુનિએ અતિ હર્ષપૂર્વક રત્નકંબલ કોશાને આપી. તે લઈને કોશાએ તરત જ પોતાના પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધી. તે જોઈને સાધુએ ખેદયુક્ત થઈ કહ્યું કે, “હે સુંદરી ! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાન રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું ?” કોશાએ કહ્યું કે, હે મુનિ ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણ રત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાખો છો ? ત્રણ ભુવનમાં દુર્લભ મહામૂલ્યવંત તમારા સંયમધર્મને આ ગટર જેવી મળમૂત્ર ભરેલી કાયામાં રગદોળવા શા માટે તૈયાર થયા છો ? અને એક વાર વમન કરેલા સંસારના ભોગને ફરીથી ચાટવાની ઇચ્છા કેમ કરો છો ? ઇત્યાદિ કોશાના ઉપદેશવાળાં વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે, હે પાપરહિત સુશીલ ! તેં સંસારસાગરમાં પડતો મને બચાવ્યો, તે બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મ રૂપ મેલને ધોવાને માટે જ્ઞાન રૂ૫ જળથી ભરેલા ગુરુ રૂપી ઝરણાનો આશ્રય કરીશ” કોશાએ પણ તેમને કહ્યું કે તમારા વિષે મારું મિથ્યા દુષ્કૃત હો; કારણ કે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં મેં તમને કામોત્પાદક ક્યિા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોધ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો અને હંમેશાં ગુરુની આજ્ઞાને માથે ચઢાવજો.” તે સાંભળીને ઇચ્છામી એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા.