________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૧૧
મરીચિકુમાર
૮૧.
ભરત ચક્વાર્તાનો પુત્ર મરીચિકુમાર એક વખત ચક્રની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવાને ગયો. ત્યાં ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ધર્મનું શ્રવણ કરી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો.
એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડ પામેલા મરીચિ મુનિ ચારિત્રાવરણ કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે, "મેરુ પર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય, પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય, તેવો એક ઉપાય મને સૂઝયો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહન હો. આ મુનિઓ જિતેન્દ્રય હોવાથી કેશનો લોચ કરે છે, અને હું તેથી જીતાયેલો હોવાથી મારે અસ્ત્રાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ધારણ કરનારા છે અને હું તો અણુવ્રતને ધારણ કરવા અસમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકા માત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહન ઢંકણ રહિત છે. અને હું તો મોહથી આચ્છાદિત છું, તેથી મારે માથે છત્રધારણ કરવાપણું હો. આ મહા ઋષિઓ પગમાં ઉપાનહ પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી મારે દુર્ગધીને સુગંધ માટે ચંદનનાં તિલક આદિ હો. આ મુનિઓ કષાય રહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું બેધાદિક કષાયવાળો હોવાથી મારે કષાય રંગવાળાં વસ્ત્ર હો. આ મુનિઓ બહુ જીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો." આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરીચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો.