________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૫
પણ પિતાજી ! પિતૃહત્યાનું ગોઝારું પાપ મારાથી કેમ થાય ?” શ્રીયકની મનોવેદના વાચા લઈ રહી હતી.
બેટા ! તને પિતૃહત્યાનું પાપ ન લાગે... તે માટે હું તાલપુટ ઝેરવાળી હીરાની વીંટી ચૂસી લઈશ. તેના કારણે હું મૃત્યુ પામી જ જવાનો છું. પણ તે જ ક્ષણે તારે તલવાર ચલાવી દેવાની.. મારા શિર પર ! આત્મબલિદાન વગર હવે રાજાનો કોપ શકે તેમ નથી. બેટા ! આ મારી તને આજ્ઞા છે. પિતા શકટાળે શ્રીલંકને સમજાવ્યું.
નાછૂટકે શ્રીયકને પિતાની આજ્ઞાનો સ્વીકાર કરવો પડ્યો. અને બીજા દિવસે રાજાને પ્રમાણ કરતાં પિતાનું મસ્તક શ્રીયકની તલવારથી છેદાઈ ગયું.
સભામાં હાહાકાર થઈ ગયો. રાજાએ જ્યારે આવું અપકૃત્ય કરવાનું કારણ પૂછ્યું, ત્યારે શ્રીયકે બધી જ વાતનો ઘટસ્ફોટ કર્યો. રાજાને હવે ઘોર પશ્ચાત્તાપ થયો. રાજાએ વરરુચિને કાઢી મૂક્યો અને શ્રીયકને મંત્રી મુદ્રા સ્વીકારવા સૂચન કર્યું.
શ્રીયકે કહ્યું, “મહારાજ ! મારા મોટાભાઈ શૂળભદ્ર જીવિત છે. ત્યાં સુધી મારાથી મંત્રી મુદ્રા ન લેવાય, આપ સ્થૂળભદ્રને મંત્રી મુદ્રા અર્પણ કરો.”
રાજાની સંમતિ લઈ શ્રીયક સ્થૂળભદ્રને બોલાવવા રૂપકોશાના રૂપભવનમાં પહોંચ્યા. પિતાના લાલ લોહીથી રંગાયેલી એ લાલ તલવારને જોતાં અને શ્રીયક પાસેથી પિતાની હત્યાની ઘટેલી ઘટનાઓને સાંભળતાં જ સ્થૂળભદ્રનો વિષયવિલાસનો મોહ નશો ચૂરચૂર થઈ ગયો. સ્થૂળભદ્ર શ્રીયક સાથે રાજસભામાં આવ્યા. રાજાએ સ્થૂળભદ્રને આવકાર આપ્યો, અને કહ્યું કે, “યૂળભદ્ર ! તમારા પિતાનું સ્થાન તમે સંભાળો. આ મંત્રી મુદ્રાને ધારણ કરો."
સ્થૂળભદ્ર બાજુના બગીચામાં જઈને (આલોચના) વિચારણા કરવાની રજા માગી. પિતૃ હત્યાની આ ગોઝારી ઘટનાએ સ્થૂળભદ્રનો ભીતરી આત્મા જાગી ઊઠ્યો. મોતના સોદાગર સમો અને પાપોના ભંવર સમો આ સંસાર હવે સ્થૂળભદ્રને અસાર લાગવા માંડ્યો. રૂપકોશાના પ્રણયસંબંધની મીઠી યાદો પણ એના વૈરાગ્યને વિચલિત કરવા હવે અસમર્થ હતી.
સ્થૂળભદ્ર વિચારણા કરતાં આલોચનાના બદલે મસ્તક પરના વાળનું મુંડન (આલેચન) કરી નાખ્યું. ધર્મલાભની શુભાશિષને વરસાવતા મુનિ સ્થૂળભદ્દે રાજ્યસભામાં પ્રવેશ કર્યો.