________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૬૨
હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને અને બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરી દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, 'હે ભગવાન ! કેવાં કર્મથી રાજા સ્વામી ન થાય ? મુનિ બોલ્યા કે, જેઓ દીક્ષા ગ્રહણ કરે છે તેઓ આ બધા જગતના સ્વામી બને છે. શાળિભદ્રે કહ્યું કે, ‘જો એમ છે તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.' સૂરી બોલ્યા કે, ધર્મકાર્યમાં પ્રમાદ ન કરવો.' પછી શાળિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, 'હે માતા ! આજે મેં શ્રી ધર્મધોષ સૂરિના મુખે ધર્મ સાંભળ્યો છે કે, જે ધર્મ આ સંસારનાં સર્વ દુ:ખથી છૂટવાના ઉપાય રૂપ છે.' ભદ્રા બોલી કે, 'વત્સ, તેં ઘણું સારું કર્યું કેમ કે તું તેવા ધર્મી પિતાનો જ પુત્ર છું. એટલે શાળિભદ્રે કહ્યું કે, માતા ! જો એમ જ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપો, હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાનો પુત્ર છું. ભદ્રા બોલી : ‘વત્સ, તારો વ્રત લેવાનો મનોરથ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તું પ્રકૃતિમાં કોમળ છે અને દિવ્ય ભોગો ભોગવતો રહ્યો છે. તેથી મોટા રથને નાનાં વાછરડાંની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ ?' શાળિભદ્ર બોલ્યો : 'હે માતા ! ભોગલાલિત થયેલા જે લોકો વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.' ભદ્રા બોલી : 'હે વત્સ ! જો તારો એવો જ વિચાર હોય તો ધીમે ધીમે થોડા થોડા ભોગનો ત્યાગ કરી પછી વ્રત ગ્રહણ કરજે.' શાળિભદ્રે તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો.
તે જ નગરમાં ધન્ય નામે એક ધનવાન શેઠ રહેતો હતો. તે પણ ગયા ભવે શાળિભદ્રની માફક જ ગરીબ માએ દૂધ, ચોખા, સાકર વગેરે પાડોશી પાસેથી માગી ખીર બનાવી ખાવા આપેલ તે બધી તપસ્વી મુનિરાજ પધારતાં બધી જ વહોરાવી દીધેલ અને તે પુણ્યકર્મથી આ ભવે રિદ્ધિ સિદ્ધિ પામ્યો હતો. તે શાળિભદ્રની બહેન સાથે પરણ્યો હતો. પોતાના બંધુના વ્રત લેવાના સમાચાર જાણી પોતાના પતિ ધન્યને નવરાવતા આંખમાં આંસુ આવ્યાં. તે જોઈ ધન્યે પૂછ્યું કે, 'શા માટે રુએ છે ?' ત્યારે તે ગદ્ગદ થઈને બોલી કે, હે સ્વામી, મારો ભાઈ શાળિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એકેક શય્યા તજી દે છે. તેથી મને રુદન આવી જાય છે.' તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, 'જે એવું કરે તે તો શિયાળના જેવો બીકણ ગણાય. જો વ્રત લેવું હોય તો વળી એકેક શું, મરદની માફક એકસાથે છોડી વ્રત લેવું જોઈએ. તેથી તારો ભાઈ તો સત્ત્વ હીન લાગે છે.' તે સાંભળી તેની બીજી સ્ત્રીઓ હાસ્યમાં બોલી ઊઠી કે, ‘હે નાથ ! એ વ્રત લેવું સહેલું છે તો તમે કેમ નથી લેતા ?'