________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૬
| જિનદાસ અને સૌભાગ્યદેવી |
૫૮.
વસંતપુર નામના નગરમાં એક શિવશંકર નામનો શ્રાવક રહેતો હતો. એક વખતે તે નગરમાં ધર્મદાસ નામના સૂરી પધાર્યા. તેમને વાંદવા શિવશંકર ગયો. વંદીને ગુરુ પાસે કેટલીક આલોચન લીધી. પછી હર્ષપૂર્વક બોલ્યો કે, “હે ભગવન્ ! મારા મનમાં લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે. પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો આ મનોરથ પૂર્ણ થાય ?" ગુરુએ કહ્યું કે, “તું મુનિસુવ્રત સ્વામીને વાંચવા માટે ભરૂચ જા, ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે. તેની ભાર્યા સૌભાગ્યદેવી નામે છે. તે બન્નેને તારી સર્વશક્તિ અને ભાવથી ભોજન. અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેમના વાત્સલ્યથી તમને લાખ સાધર્મીને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે." આ પ્રમાણેનું ગુરુનું વચન સાંભળીને શિવશંકરે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિ વડે જિનદાસ અને સૌભાગ્યદેવીની સેવા કરી
શિવશંકર આશ્ચર્ય સાથે વિચારતો રહ્યો કે, આ દંપતીમાં એવા કયા ગુણો હશે કે સૂરીજીએ તેમની ભક્તિ કરવાથી લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવા જેટલું પુણ્ય ઉપાર્જન થાય એમ સૂચવ્યું. આનું કારણ જાણવું - સમજવું જોઈએ. આવા વિચારથી તેણે ગામના લોકોને પૂછ્યું કે, આ જિનદાસ ખરેખર ઉત્તમ મનુષ્ય છે કે દાંભિક છે? ત્યારે લોકોએ કહ્યું કે, હે ભાઈ, સાંભળ આ જિનદાસ સાત વર્ષનો હતો ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુ મુખે શીલોપદેશ માળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એ જ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીલ પાળવાનું વ્રત અંગીકાર કર્યું. દેવ યોગે તે બન્નેનું પરસ્પર પાણિગ્રહણ થયું, પરંતુ શીલ પાળવાના કામમાં જે દિવસે જિનદાસને છૂટી હતી તે દિવસે સૌભાગ્યદેવીને નિયમ હતો, અને સૌભાગ્યદેવીને છૂટી હતી તે દિવસે જિનદાસ વ્રતથી બંધાએલ હતો. આવી હકીકતની લગ્ન પછી એકબીજાને જાણ થવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે, હે સ્વામી ! હું તો નિરંતર શીલ પાળીશ. તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો. પણ જિનદાસે જવાબ આખો કે, મારે તો બીજાં લગ્ન કરવાં નથી. પરંતુ હું તો યોગ્ય સમયે દીક્ષા લઈશ.' પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશાંને માટે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું