________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૮૨
લોકોએ સાધુને પકડ્યા. સ્ત્રીના પોકાર સાંભળી લોકો મુનિને મારવા લાગ્યા. પણ મુનિશ્રીના કોઈ પુણ્યોદયના કારણે તેઓ નાસતા હતા અને શેઠાણીએ પગની આંટી મારી મુનિને હેઠા પાડ્યા હતા. એ ખેલ આ નગરના રાજાએ પોતાના ઝરૂખામાં ઊભા ઊભા જોયો હતો. તે તરત જ નીચે ઊતર્યા અને લોકોને સત્ય હકીકત સમજાવી કે “આ સ્ત્રી પોતાની ફજેતી ઢાંકવા આ પવિત્ર સાધુને કલંક આપે છે. મુનિશ્રી તો સાચા અને પવિત્ર સંત છે. આ તોફાન તો પેલી દુષ્ટ શેઠાણીનું છે." લોકોએ પગમાં પડી મુનિશ્રીની ક્ષમા માગી. મુનિશ્રીનો જયજયકાર થયો. રાજાએ શેઠાણીને પોતાના ઉગ્ર પાપનું ફળ ભોગવવા દેશનિકાલની સજા કરી.
મુનિશ્રીનું નામ તો હતું મદનબ્રહ્મ મુનિ, પણ પગમાં ઝાંઝર આવી જવાથી તે ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા.
આવી કપરી કસોટીમાંથી પસાર થયા બાદ મુનિ શ્રી ઉજેણીનગરી પધાર્યા. ઘરે ઘરે ગોચરી વહોરતા. એક દિવસ રાજા-રાણી ઝરૂખે બેસી સોગઠાં રમતાં હતાં. રાણી મુનિને જોઈ મનમાં મલકાઈ અને તરત રોવા લાગી. દડદડ આંસું પડવા લાગ્યાં. આ જોઈ રાજા વહેમાયા. જરૂર આ મુનિ ભૂતકાળનો મારી રાણીનો યાર હશે. આથી રાજાએ ખાનગીમાં સેવકોને બોલાવી આ મુનિને પકડી એક ઊંડો ખાડો ખોદાવી તેમાં ઊભા રાખ્યા અને સેવકોને મુનિની ગર્દન કાપી નાખવા હુકમ કર્યો.
સેવકો ગર્દન કાપવા તૈયાર થયા અને મુનિ શ્રી સમતારસમાં મહાલવા લાગ્યા. શત્રુને પણ મિત્ર સમજી તેઓને ઉપકારી ગણી ઊંચી ભાવનાએ ચડતા ગયા. સેવકોએ રાજાની આજ્ઞા મુજબ મુનિનો શિરચ્છેદ કરી નાખ્યો. અંત પહેલાં મુનિ ઉચ્ચ ભાવનાના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા અને તે મોક્ષમાં ગયા.
રાજા રાજી થતો થતો રાજમહેલે આવ્યો - આ તરફ સમડી માંસનો પિંડ સમજી લોહીવાળો ઓઘો ચાંચમાં લઈ આકાશમાં ઊડી. ભવિતવ્યતાના યોગે ઓધો રાજમહેલના ચોકમાં પડ્યો. સેવકો દ્વારા રાણીએ વાત જાણી. ઓધો જોઈ રાણીએ આ ઓધો પોતાના ભાઈ મદનબ્રહ્મનો જ છે, તેમને જરૂર કોઈએ મારી નાખ્યા છે. રાણીને ચોધાર આંસુએ રોતી જોઈ રાજા દોડતો આવ્યો. અને વાત સમજાઈ કે ઠાર કરેલ મુનિ તો રાણીનો સગો ભાઈ હતો. રાજાએ કબૂલ કર્યું કે શંકાના કારણે તેણે જ મુનિને મારી નંખાવ્યા છે. હવે રાજા અને રાણી ધ્રુસકે ધ્રુસકે રડે છે. રાણીએ આહાર પાણીનો ત્યાગ કરી અનસન કર્યું. રાજાજી મુનિશ્રીના ક્લેવર આગળ જઈ ખમાવે છે અને પ્રબળ પશ્ચાત્તાપ કરતાં અને અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં રાજાને પણ કેવળજ્ઞાન થાય છે.