________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૮૧
શ્રી ઝાંઝરિયા મુનિ
૩૯.
મદનબ્રહ્મ એક રાજકુમાર હતા. તેઓ ભર યુવાનીમાં હતા. બત્રીસ સુંદર રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. અને સ્વર્ગ સમો આનંદ માણતા કાળ વ્યતીત કરતા હતા.
એકદા ઇન્દ્રોત્સવ ઊજવવા નગરીની પ્રજા સુંદર વસ્ત્ર પરિધાન કરી ઉદ્યાનમાં ગઈ. રાજકુમાર મદનબ્રહ્મ પણ બત્રીસ નવવધૂઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા હતા. તેવામાં તેમની ષ્ટિ એક ત્યાગી મુનિવર ઉપર પડી. એટલે તેમને વંદન કરવાની ઇચ્છાથી મુનિરાજ પાસે પહોંચ્યા. વિધિપૂર્વક વંદન કરી તેઓ નવવધૂઓ સાથે તેમની વૈરાગ્ય ઝરતી અમોધ દેશના સાંભળવા બેઠા.
મુનિશ્રીની અમીરસ ભરી દેશના સાંભળતાં મદનબ્રહ્મ રાજકુમારનો આત્મા જાગી ઊઠ્યો. તેમને આત્મા શું છે તે સમજાયું અને તે જ ક્ષણે બત્રીશ નવવધૂઓને ત્યજી તેમણે સંયમ અંગીકાર કર્યો. તેઓએ જ્ઞાનની આરાધના કરી. વિદ્વાન અને ગીતાર્થ બન્યા.
વિહાર કરતાં કરતાં મદનબ્રહ્મ મુનિ ખંભાત (તે વખતની ત્રંબાવટી) નગરીમાં પધાર્યા. મધ્યાહ્ન સમયે ગોચરીએ નીકળતાં એક શેઠાણીએ ગોખમાંથી તેમને જોયા. શેઠાણીને ઘણાં વર્ષોથી પતિનો વિયોગ હતો. કામ વરી પીડીત શેઠાણીની ભાવના બગડી હતી. અને કોઈ તક શોધી રહીહતી. ત્યાં આ ભરયુવાન મુનિને જોયા. મનમાં હરખાઈ અને પોતાની વાસના પોષવા પોતાની નોકરાણીને મોકલી કે, જા, પેલા મુનિને તેડી લાવ. દાસી દોડી ગઈ અને મુનિને વિનંતી કરી કે, પધારો ગુરુદેવ ! સરળ સ્વભાવે મુનિશ્રી ત્યાં પધાર્યા. મકાનનો દરવાજો શેઠાણીએ બંધ કરી દીધો અને હાવભાવ અને લટકાં મટકાં કરવા માંડ્યાં. મુનિશ્રીને મોહવશ કરવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ મુનિશ્રી વ્રતમાં અડગ હતા, અને મીઠી વાણીથી શેઠાણીને ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. પણ મોહાંધ અને તીવ્ર વાસનાથી પીડીત શેઠાણી ધર્મ દેશના ઉપર ધ્યાન ન દેતાં મુનિશ્રીને વળગી પડી. મુનિશ્રીએ વિચાર્યું, હવે અહીંથી તરત નીકળી જવું જોઈએ. વધુ ત્યાં રહેવાથી દુષ્ટ સ્ત્રી મારા વ્રતનો ભંગ કરશે. એમ વિચારતાં જોરથી હાથ છોડાવી મુનિશ્રી દ્વાર ખોલી નાસવા લાગ્યા. પણ કામી સ્ત્રીએ નાસતા મુનિને પોતાના પગની આંટી મુનિના પગમાં મારી નીચે પાડી નાખ્યા. આ પગની આંટી મારતાં સ્ત્રીનું ઝાંઝર મુનિના પગમાં ભરાઈ ગયું અને શેઠાણી જોરથી બૂમો મારવા લાગી કે, પકડો, પકડો આ દુષ્ટ અણગારને. તે મારું શિયળ ખંડન કરી નાસે છે. પકડો-પકડો.
૬